ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત્ રહેતાં સતત બીજા દિવસે રાજ્યનાં 7 શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. સોમવારે, 7 એપ્રિલના રોજ રાજકોટમાં તાપમાન 44.2 ડિગ્રી સુધી પહોંચ્યું, જે સામાન્ય કરતાં 5.2 ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજકોટનું તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરી છે. બીજી તરફ, અમદાવાદમાં પણ 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્યથી 3.9 ડિગ્રી વધુ છે.
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે તાપમાન 42 ડિગ્રીથી ઉપર રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મંગળવારે, 8 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગરમીના કારણે રાજકોટ જિલ્લા કલેક્ટરે એક બેઠક યોજી, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા, સ્કૂલોનો સમય સવારનો જ રાખવો, અને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ બજારોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પાણી અને છાશની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. આ અસહ્ય ગરમી વચ્ચે હીટવેવ એક્શન પ્લાન હેઠળ કેટલાં પગલાં લેવાય છે, તેની ચોકસાઈ માટે મહાનગરપાલિકા, આરોગ્ય અધિકારીઓ, કલેક્ટર અને જિલ્લા પંચાયતે સ્થળ પર જઈને સ્થિતિનું નિરીક્ષણ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.
