ગરમીનો પ્રકોપ શરૂ, તાપમાનનો પારો 40 ડિગ્રીને, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાનો તાપ વરતાવા લાગ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. ત્રણ જિલ્લામાં ગરીમીનું તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. જેમાં રાજકોટમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 5 દિવસમાં તાપમાન 3થી 5 ડિગ્રી વધવા સાથે 9 થી 11 માર્ચ દરમિયાન દરિયાકાંઠે ગરમ, ભેજવાળા પવન ફૂંકાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હીટવેવની હવામાન વિભાગ શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો થતાં ઠંડી પાછી આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એન્ટિસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાવાના શરૂ થશે. હવામાન વિભાગના આંકડા મુજબ કાશ્મીરમાં હિમવર્ષા અને ઉત્તરપૂર્વના પવનોને કારણે છેલ્લા 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે મહત્તમની સાથે સાથે લઘુતમ તાપમાન પણ ઉંચકાશે. મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 2થી 2.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા છે. જણાવી દઈએ કે, ભુજમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી,અમદવાદમાં 38.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી,નલિયામાં 39.5, કેશોદમાં 39.2 ડિગ્રી,કંડલામાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી,ડીસામાં 38.9 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.