ગાંધીનગર- સરકારી આવાસો જ્યાં સુરક્ષાને લઇને અત્યંત ચુસ્ત બંદોબસ્ત હોવાને લઇને જનસામાન્ય માટે એ મહાલયો નિહાળવા લગભગ અશક્ય હોય છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલીએ આજે પહેલી ઓગસ્ટથી રાજભવનની મુલાકાત કોઇપણ નાગરિક લઇ શકે તેવો નિર્ણય અમલમાં મૂક્યો છે.રાજ્યપાલ કોહલીએ જાહેર જનતા માટે રાજભવન ખુલ્લું મૂકવાનો નિર્ણય 15 મેએ લીધો હતો જેને સારો પ્રતિભાવ મળતાં આજથી-પહેલી ઓગસ્ટથી નિર્ણયનો અમલ શરુ કરાઇ રહ્યો છે. રાજભવન મુલાકાત માટે સપ્તાહના સોમવારથી શુક્રવાર કામકાજના દિવસો દરમિયાન પાંચ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
શાળાકોલેજના વિદ્યાર્થીઓની રાજભવન મુલાકાતના કિસ્સામાં આચાર્યએ રાજભવનને લખેલો પત્ર માન્ય રાખવામાં આવશે. ઓનલાઇન મંજૂરીની આવશ્યકતા નહીં રહે. વિદ્યાર્થીઓ સંસ્થા દ્વારા અપાયેલા ઓળખપત્ર સાથે રાખી રાજભવનની મુલાકાત લઇ શકશે.
રાજ્યપાલ કોહલીએ આ વિશે પ્રતિક્રિયા દર્શાવી હતી કે રાજભવનને સાચા અર્થમાં લોકભવન બનાવવાની દિશામાં લેવાયેલ કેટલાક પગલાંના ભાગરુપે આ પહેલ કરવામાં આવી છે.
શૈક્ષણિક સંસ્થાઓ સિવાય રાજભવનની મુલાકાત લેવા ઇચ્છનાર મુલાકાતીઓએ ગુજરાત રાજભવનની વેબસાઈટ https://rajbhavan.gujarat.gov.in ઉપર દર્શાવેલી રુપરેખા પ્રમાણે ઓનલાઇન રજિસ્ટ્રેશન સીસ્ટમ દ્વારા પોતાની ઇચ્છા દર્શાવવાની રહેશે.