જમીન રીસર્વે કામગીરી સામેના આરોપો સામે મહેસૂલપ્રધાને કહ્યુંઃ ભૂલ વગર કામગીરી થાય તેની તકેદારી લીધી છે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહેલી જમીન રીસર્વેની કામગીરી મામલેરાજ્યના મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું છે કે, જમીન રીસર્વેની કામગીરી પારદર્શી રીતે અને ભૂલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે પૂરી તકેદારી રાખી છે અને આ કામગીરીનું ગ્રામ્ય, તાલુકા,જિલ્લા અને રાજ્ય સ્તરની સમિતિઓ દ્વારા સતત મોનીટરીંગ અને સુપરવિઝન પછી એક નવો રેકર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્તરે આધુનિક માપણીની ટેકનોલોજીની જાણકાર નિષ્ણાત અને જમીન મોજણીની કામગીરીના અનુભવ ધરાવતી કુલ 9 એજન્સીઓ મારફતે હાથ ધરાયેલ છે.

દરેક ગામે ગ્રામસભા પછી જે તે ખાતેદાર કે હિસ્સેદારની હાજરીમાં સ્થળ પર જઇ જમીન માપણી આધુનિક સાધનો ઇ.ટી.એસ. અને ડી.જી.પી.એસ. મશીન વડે કરવામાં આવે છે. રીસર્વે પછી તમામ સર્વે નંબરોને નવા નંબર આપવાના હોવાથી માપણી શરૂ કરતાં પહેલાં તમામ પૈકી નંબરોની માહિતી મેળવી તથા તેની માપણીના ડેટાને કચેરીમાં પ્રોસેસ કરી સ્થળસ્થિતી મુજબના દરેક ખેતરના નકશા તૈયાર કરવામાં આવે છે. માપણી કામગીરી વધુ ચોક્કસ થાય તે હેતુસર સમગ્ર રાજયમાં ડી.જી.પી.એસ. અક્ષાંસ રેખાંસ મુજબના ૧.૭૦ લાખ જેટલા બેંચ માર્ક ચાર સ્તરની ગ્રીડના કાયમી રેફરન્સ તરીકે ઉભા કરવામાં આવેલ છે. જેના આધારે વિગતવાર માપણી કરવામાં આવી છે.  જમીનોના નકશાના ઉપયોગ માટે 93 જેટલા ચિંન્હ  ઉપરાંત ઓળખ પ્રમાણે  ફીચર કોડ તરીકે  જુદા જુદા ૩૦ જેટલા ચિન્હ અને કલર મુજબની માહિતી નવા રેકર્ડમાં આવરી લેવાયેલ છે. માપણી સમયે જિલ્લા જમીન દફ્તર નિરીક્ષકની  કચેરીના સર્વેયરો અને જે તે ગામના આગેવાનોની ગ્રામ સમિતિના સભ્યો સતત ઉપસ્થિત રહે છે.

જો કોઇપણ ખેડૂત ખાતેદારને નવા મહેસુલી રેકર્ડ અંગે કોઇપણ વાંધો હોઇ કે ભુલ જણાય તો તેવી ક્ષતિઓ દુર કરાવવા અંગે પ્રમોલગેશન થયા તારીખથી બે વર્ષ સુધીના સમયગાળા માટે માત્ર સાદી અરજી કરી અને કોઇપણ માપણી ફી ભર્યા વગર દાદ મેળવી શકે તેનો ઠરાવ મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આવા કિસ્સામાં અપીલ કરવાની કાયદાકીય જોગવાઇ સામે સાદી અરજીથી ખેડૂત વાંધો લઇ શકે છે. ગુજરાતમાં ૧૮૦૪૭ ગામોમાંથી હાલ પ્રથમ તબક્કામાં ૧૮૦૩૪ ગામોની માપણી પૂર્ણ કરવામાં આવી છે તથા ૧૨૧૦૨ ગામોનું પ્રમોલગેશન પણ કરવામાં આવ્યું છે. પ્રમોલગેશન પછી આવેલી વાંધા અરજીઓનો ઝડપથી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે.

  • સમગ્ર રી-સર્વેની કામગીરી વૈજ્ઞાનીક ઢબે કરાઇ છે
  • ડીફરન્સીયલ ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ મુજબના અક્ષાંશ-રેખાશ માટે ૧.૭૦ લાખ બેન્ચ માર્ક ઉભા કરાયા છે
  • માપણી સમયે જમીન દફ્તર કચેરીના સરવેયરો ગ્રામ સમિતીના સભ્યો પણ ઉપસ્થિત રહે છે
  • જમીન આખરી રેકર્ડ તૈયાર થયા બાદ પણ બે વર્ષ સુધીના સમયગાળામાં સાદી અરજી કરી ખાતેદાર દાદ મેળવી શકે છે
  • ગુજરાતના ૧૮૦૪૭ ગોમોમાંથી હાલ સુધીમાં ૧૮૦૩૪ની માપણી પૂર્ણ, ૧૨ હજારથી વધુ ગામોનું પ્રમોલગેશન પૂર્ણ
  • જમીન રી-સરવેની પારદર્શક અને પરિણામલક્ષી કામગીરીને સરકારે બીરદાવી : અન્ય રાજ્યો ગુજરાત પાસેથી માર્ગદર્શન મેળવે છે
  • ખેડૂત ખાતેદારને સંપૂર્ણ સંતોષ થાય તે રીતે વાંધા નિકાલની કાર્યવાહી સરકારી ખર્ચે કરવામાં આવશે.