વડોદરા – મધ્ય ગુજરાતમાં કેવડિયા ખાતે નર્મદા નદી પર બાંધવામાં આવેલો અને ગુજરાત રાજ્યમાં પીવાના પાણી માટે જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ડેમમાં જળસ્તર 138.68 મીટરની મહત્તમ સપાટીને સ્પર્શી ચૂક્યું છે.
નર્મદા ડેમ આજે સાંજે લગભગ 6.35 વાગ્યે જ છલોછલ ભરાઈ ગયો હતો.
ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક ચાલુ રહી હતી. 6,94,277 ક્યુસેક પાણી આવ્યું હતું.
સાંજે 6 વાગ્યે નર્મદા ડેમમાં 23 દરવાજા 3.1 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા હતા.
એને કારણે પાણીની જાવક 6,49,884 ક્યુસેક થઈ હતી.
નર્મદા ડેમ એનું નિર્માણ થયા બાદ આ પહેલી જ વાર 100 ટકા ભરાયો છે.
ડેમ ભરાવાથી 8 હજારથી વધારે ગામો અને 130થી વધારે શહેરી વિસ્તારોને પાણી મળી શકશે.