હોળી-ધુળેટી માટે ગુજરાત STનું વિશેષ આયોજન, 1200 વધારાની બસો દોડાવાશે

અમદાવાદ: હોળી અને ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે. ગુજરાતમાં ધંધા રોજગાર અર્થે ઘરથી દૂર રહેતા લોકોને પર્વ પોતના પરિવાર સાથે ઉજવી શકે તે માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમિયાન વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે.

રાજ્યના પંચ મહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી/ વ્યવસાય/ મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે. નાગરીકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે. જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4000 જેટલી ટ્રીપો સંચાલિત કરાશે જ્યારે તારીખ 10 માર્ચ થી 16 માર્ચ દરમિયાન હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે