અમદાવાદઃ ગુજરાતના ઘણા ઉદ્યોગપતિ, રાજનેતા અને વ્યાપારીઓને કરોડોની ખંડણી માટે ધમકાવવાનો આરોપી મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત ડોન, રવિ પુજારીને ગુજરાત લાવવા માટે અમદાવાદ પોલીસે આફ્રીકી સરકારને પત્ર લખ્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આફ્રીકા સેનેગલની સરકારને પત્ર લખીને, કુખ્યાત ડોન રવિ પુજારીના પ્રત્યાર્પણની માંગ કરી છે. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢી સહિત રાજ્યના ઘણા બિલ્ડરો, વ્યાપારી અને ઉદ્યોગકારોને ફોન કરીને રવી પૂજારી ખંડણી માટે ધમકાવતો હતો. જિગ્નેશ મેવાણી, કોંગ્રેસ ધારાસભ્ય પુંજાજી વંશ, ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ, વિમલ શાહ સહિત ઘણા નેતાઓને પૂજારી ખંડણી માટે ફોન કરી ચૂક્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સપેક્ટર કે.જી.ચોધરીએ જણાવ્યું કે, ગુજરાતમાં રવિ પુજારી વિરુદ્ધ આશરે 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેને જલ્દી જ ગુજરાતમાં લાવીને આ મામલાઓમાં પુછપરછ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચે સેનેગલ સરકાર અને પોલીસને પત્ર લખીને રવી પુજારીના પ્રત્યાર્પણની માંગ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રવી પુજારી આફ્રીકામાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે, સેનેગલ ડકાર પોલીસે ગત ફેબ્રુઆરીમાં તેને પકડીને જેલના હવાલે કર્યો હતો. રવી પુજારી ત્યાં શ્રીલંકાના એન્થની ફર્નાંડીઝના નામથી પાસપોર્ટ બનાવીને રહેતો હતો, ગુજરાત પોલીસની સૂચનાના આધાર પર સેનેગલ પોલીસે કાર્યવાહી કરી હતી.