ભરૂચ – ભરૂચ જિલ્લામાં નર્મદાના કાંઠે વસતા લોકોના જીવ 10મી સપ્ટેમ્બરે જીવ તાળવે ચોંટી ગયા હતા. કારણ એક તરફ સરદાર સરોવર ડૅમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું અને બીજી તરફ વરસાદ પણ અનરાધાર ચાલુ હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સરકારી આદેશ મુજબ નર્મદાના કાંઠે વસતા લોકોને સ્થળાંતર કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
એ જ સમયે ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જયદીપસિંહ જાદવ અને બીજા છ પોલીસ જવાનો પોતાના વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી બજાવી રહ્યા હતા. એ જ સમયે એમને એક મેસેજ આવ્યો કે જરસાડ ગામેથી પસાર થતી ખાડીના પૂલ ઉપરથી પાણી વહી રહ્યું છે અને ઘણા લોકો પૂલની બીજી તરફ ફસાયા છે.
આ સંદેશો મળતા પીએસઆઇ જયદીપસિંહ જાદવ જીપ લઈને જરસાડ જવા નીકળ્યા.
પછીની આખી ઘટના પીએસઆઇ જયદીપસિંહ જાદવએ ‘ચિત્રલેખા.કૉમ’ સાથે કરી.
જયદીપસિંહ જાદવ કહે છે, ‘અમે જયારે જરસાડ પહોંચ્યા ત્યારે પૂલ ઉપરથી પાણી વહી રહ્યું હતું. ડૅમમાંથી પાણી છોડાઈ રહ્યું હતું અને અને બપોર પછી 10 લાખ ક્યુસેક છોડવાના સંદેશ આવ્યા હતા. ડૅમના પાણીની સાથે જ અમારા વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ હતો. પાણી વધી રહ્યું હતું અને સામે પાર અમે જોયું કે વડીલો અને બાળકો હતા જેઓ પોતાની મેળે પૂલ પાર કરી શકે એમ નહોતા. અમે પ્રથમ વિચાર્યું કે ટ્રેક્ટર કે અમારી જીપથી પૂલ પાર કરાવીએ પણ એ શક્ય ના બન્યું. એટલે અમારી જીપમાં રહેલા મોટા દોરડાને એક તરફ બાંધ્યું એને બીજા છેડાને પૂલની પેલે પાર બાંધ્યો. પછી અમે એક પછી એક બાળકો અને વડીલોને મળી કુલ 30 જણને વરસતા વરસાદ અને ખાડીના વહેણમાંથી સલામત રીતે પૂલમાંથી પાર કરાવ્યા. મારી સાથે મારા 6 પોલીસ સાથીઓ અને સ્થાનિક ગામવાસીઓ પણ હતા. ત્યાંથી એમને લઈને પાસેના અવિધા ખાતેના સલામત સ્થળે એમને પહોંચાડ્યા છે.’
પીએસઆઈ જયદીપસિંહ જાદવના આ સાહસી પરાક્રમને સ્થાનિક લોકોએ મોબાઈલ કૅમેરામાં ઉતારી લીધું. એને સોશ્યલ મીડિયામાં વહેતું કરતા એ વિડિયો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પાસે પહોંચ્યો હતો. મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન બંનેએ જયદીપસિંહ જાદવ સાથે ટેલિફોન પર વાત કરીને એમના સાહસ માટે એમને અભિનંદન આપ્યા હતા. જયદીપસિંહ જાદવ પણ રાજ્યના વડા પાસેથી અભિનંદન મેળવીને બહુ ખુશ થયા છે અને મોડીરાત્રે પણ પૂરની સ્થિતિની કારણે ફરજ ઉપર હાજર હતા.
જયદીપસિંહ જાદવ 2000ની સાલથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. કોન્સ્ટેબલ તરીકે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લાંબો સમય સુધી સેવા આપી હતી. એ પછી પ્રમોશન સાથે છેલ્લા 2 વર્ષથી એ પીએસઆઇ તરીકે કામગીરી કરે છે. એમનું મૂળ વતન ધંધૂકા તાલુકાનું હડાળા ભાલ છે.
(અહેવાલ: ફયસલ બકિલી)