પોલીસ વડાએ રથયાત્રાના રૂટનું નિરિક્ષણ કર્યુ

અમદાવાદઃ શહેરના જગન્નાથ મંદિરેથી નીકળનારી 147મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. મંદિર, રથયાત્રા રૂટ અને શહેરની સુરક્ષા માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ પરિસરમાં હાજર રહ્યા હતા.

મંદિરના ટ્રસ્ટીઓ હોદ્દેદારોની મુલાકાત લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હતી. અમદાવાદ શહેરમાં વરસાદી મોસમ જામી રહી છે. ચાલુ વરસાદે ડી.જી.પી વિકાસ સહાય, કમિશનર જી.એસ.મલિક અને પોલીસનો કાફલો રથયાત્રાના રૂટનું નિરિક્ષણ કરવા નીકળ્યા હતા.

રથયાત્રાના રૂટ નિરિક્ષણ પહેલા પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે સમગ્ર રથયાત્રા દરમિયાન તેમજ એ પહેલાંના તમામ કાર્યક્રમો વેળાએ પોલીસ એકદમ સતર્ક રહેશે. કોઈપણ અનઈચ્છનિય બનાવના બને એ માટે ગુજરાત પોલીસ આધુનિક સાધનોથી સજ્જ રહેશે. સમગ્ર રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે પસાર થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)