સુરતમાં બિનહરીફ જીતને પડકારતી PILનો તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર

સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીત્યા પછી તેમની બિનહરિફ જીતને પડકારતી પીઆઇએલ(PIL)  જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અને તાત્કાલિક સુનાવણી કરવાની માંગ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

અરજી કેમ કરવામાં આવી?

નોંધનીય છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ ટેકનિકલ કારણોસર નામંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ઉમેદવારોએ પણ  પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા.  જે બાદ મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા બાદ ભાવેશ પટેલે નામના એક વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની ડિવિઝન બેન્ચે અરજદારના વકીલને કહ્યું હતું કે એણે PIL નહીં પણ ચૂંટણી અરજી દાખલ કરવી જોઈતી હતી. અરજદારે દલીલ કરી હતી કે તે સુરતમાં નોંધાયેલ મતદાર છે, ચૂંટણી પંચે મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા હતા અને મતદાન કરાવ્યા વગર પ્રમાણપત્ર પણ આપ્યું હતું. જેના કારણોસર તેઓ મતદાનના અધિકારથી વંચિત રહ્યા છે.

કોર્ટે શું કહ્યું?

આ બાબત સંદર્ભે  કોર્ટે કહ્યું કે જો કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાય છે, તો તે પણ તે જ છે જેમને મતદાન અથવા મત ગણતરી પછી વિજેતા જાહેર કરવામાં આવે છે. બિનહરીફ વિજેતા અન્ય કોઈ શ્રેણીમાં આવતા નથી. જાહેર પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓ હેઠળ આને PILનો મુદ્દો ન બનાવો. એમણે એમ પણ કહ્યું કે કાયદા મુજબ જો ઉમેદવારની ચૂંટણીને લઈને કોઈ વિવાદ હોય તો એમણે ચૂંટણી અરજી દાખલ કરવાની હોય છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તમે તમારી દલીલમાં જે પ્રક્રિયાનો ઉલ્લેખ કરી રહ્યા છો, જેના દ્વારા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે, તે ચૂંટણી અરજી દ્વારા સત્તાધિકારના અધિકારક્ષેત્રમાં આવે છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલે તાત્કાલિક સુનાવણીની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતુ કે, અરજદારે ખોટી જગ્યાએ અરજી દાખલ કરી છે, તેથી તેમાં કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં, તે સામાન્ય રીતે જ જોવામાં આવશે.