ગાંધીનગર- મહેસૂલપ્રધાન કૌશિક પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલી જાણકારી મુજબ નાના ઉદ્યોગો અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે રાજ્યમાં નવ ઔદ્યોગીક વસાહતો (GIDC)ના નિર્માણ માટે 1050.32 હેક્ટર જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. આ પગલાંથી રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો – MSME સેકટરને પ્રોત્સાહન મળશે.
આ નવ જીઆઈડીસી વાગોસણા, ઐઠોર, ઈન્દ્રણજ, ખીરસરા, છત્તર, વણોદ, નવા માઢીયા, નારી અને ભાટ ખાતે આકાર લેશે. આ નવી જીઆઈડીસીઓના નિર્માણ થકી વધુ રોજગારી ઉપલબ્ધ બનશે.
પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના વાગોસણા ખાતે નિર્માણ થનાર જી.આઈ.ડી.સી. માટે ૫૧.૪૬ હેકટર, મહેસાણા જિલ્લાના ઐઠોર માટે ૪૭ હેકટર, આણંદ જિલ્લાના ઈન્દ્રણજ માટે ૪૦.૧૯ હેકટર, રાજકોટ જિલ્લાના ખીરસરા માટે ૯૨.૬૩ હેકટર, મોરબી જિલ્લાના છત્તર માટે ૨૪.૬૯ હેકટર, સુરેન્દ્રનગર જિલ્લાના વણોદ માટે ૩૭૧.૬૦ હેકટર, ભાવનગર જિલ્લાના નવા માઢીયા માટે ૩૦૦ હેકટર તથા નારી માટે ૧૧૫.૨૫ હેકટર અને ગાંધીનગર જિલ્લાના ભાટ ખાતે નિર્માણ થનાર જી.આઈ.ડી.સી. માટે ૭.૫૦ હેકટર જમીન ફાળવવાનો નિર્ણય કરાયો છે. આ ફાળવવામાં આવનાર જમીન પૈકી ૭૦ ટકા જમીન બજાર કિંમતના ૫૦ ટકા ભાવે તથા બાકીની ૩૦ ટકા જમીન પ્રવર્તમાન બજાર કિંમત અનુસાર જી.આઈ.ડી.સી.ને આપવામાં આવશે. જી.આઈ.ડી.સી. દ્વારા નાના ઉદ્યોગકારોને નક્કી કરેલ કિંમતના ૫૦ ટકા ભાવે પ્લોટ ફાળવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા વધુ એક જમીન ફાળવણી પણ કરવામાં આવી છેઃ
જેમાં નવરચિત ત્રણ જિલ્લાઓમાં શિક્ષણને પ્રોત્સાહન હેતુ નવી જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે 36.42 હેકટર જમીનની વિના મૂલ્યે ફાળવણી કરવામાં આવી છે. જેમાં બોટાદ જિલ્લાના બોટાદ ખાતે, મોરબી જિલ્લાના કોઠારીયા ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધતુરીયા ખાતે નિર્માણ થનાર આ વિદ્યાલયોને પ્રત્યેકને ૧૨.૧૪ હેકટર લેખે કુલ ૩૬.૪૨ હેકટર જમીન રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવવામાં આવશે.લોજીસ્ટિક સેકટરને વધુ સુદ્રઢ બનાવવા અને વ્યાપ વધારવા અત્યાધુનિક કન્ટેનર ડેપોના નિર્માણ માટે રાજકોટ જિલ્લાના પરા પીપળીયા ખાતે 12.55 હેકટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ ડેપોનો વિકાસ કરવા માટે ભારતીય કન્ટેનર નિગમ લીમિટેડ, અમદાવાદને ૧૨.૫૫ હેકટર જમીન પ્રવર્તમાન નીતિ મુજબ ફાળવવામાં આવશે. માલના વહન માટે જેમાં કન્ટેનરોના લોડીંગ માટે રેલ સાઈડીંગ, કન્ટેનર યાર્ડ, આયાત-નિર્યાત કાર્ગો વેયર હાઉસ, કન્ટેનર એન્ડ કાર્ગો હેન્ડલીંગ, કસ્ટમ ડીપાર્ટમેન્ટ ઓફીસ, કન્ટેનર રીપેયર વર્કશોપ, ટ્રેડ ફેસીલીટેશન ઝોન સહિતની વિવિધ આંતરમાળખાકીય સવલતો નિર્માણ કરાશે.