અમદાવાદઃ પ્રો કબડ્ડી લીગની સિઝન-7માં રવિવારે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ બેંગલુરૂ બુલ્સ સામે ટકરાઈને પોતાના પડકારનો પ્રારંભ કરશે. જાયન્ટસ સિઝન-6 ની ફાઇનલમાં અત્યંત રસાકસીભરી મેચમાં બેંગલુરૂ બુલ્સ સાથે ટકરાઈ હતી પરંતુ હોમ ટીમ જૂના પરિણામને પાછળ છોડીને નવેસરથી પ્રારંભ કરી રહી છે.
જાયન્ટસના કોચ નીર ગુલીયા જણાવે છે કે “હા, તે એક યાદગાર ફાઇનલ હતી. પરંતુ તે હવે ભૂતકાળ બની ગઈ છે. અમારી પાસે યુવા ખેલાડી અને ભારે જોશ ધરાવતી ટીમ છે. અમે ગઈ સિઝનની તુલનામાં અમારું પરફોર્મન્સ બહેતર બનાવવા માટેનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ. હકીકતમાં ખેલાડીઓ આજે પણ મેચ રમવા તૈયાર છે. તેઓ ઉત્સાહથી સજજ છે ,ચોકકસપણે જોશ હાઈ છે.”
કોચ બેંગલુરૂ બુલ્સને સહેજ પણ માનસિક સરસાઈ હોવાની વાતને નકારી કાઢે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે “ફાઇનલમાં અમે કેટલીક ભૂલો કરી હતી. પરંતુ તેનુ પુનરાવર્તન થશે નહીં. બે મહિના ચાલેલા ઉચ્ચ સ્તરના કેમ્પમાં અમે સ્થિતિ સુધારી લીધી છે. અમે તાલીમમાં કોઈ કચાશ રાખી નથી.” પ્રો કબડ્ડી લીગમાં જાયન્ટસ ઉત્તમ ડિફેન્સ ધરાવતી ટીમ તરીકે ઉભરી આવી છે. કેપ્ટન સુનીલ કુમાર અને પરવેશ ભૈનસ્વાલે તૈયાર કરેલી ચેઈન લીગમાં સૌથી વધુ સંયુક્ત 72 ટેકલ પોઈન્ટ હાંસલ કરી શકી હતી. 86 ટેકલ પોઈન્ટસ સાથે પરવેશ સિઝન 6 માં બીજા નંબર ઉપર હતો. જ્યારે 76 ટેકલ પોઈન્ટસ સાથે કુમાર ચોથા સ્થાને હતો.
ગુલીયા જણાવે છે કે “ડિફેન્સ અમારી તાકાત હતી અને રહેશે. કેમ્પમાં અમે આ મોરચે ઘણુ કામ કર્યું છે. પરવેશ અને સુનિલ હવે વધુ પાકટ બન્યા છે. ઋતુરાજ કોરાવી પણ ડિફેન્સને મજબૂત બનાવવામાં મોટુ યોગદાન આપે છે. આ બધા સાથે મળીને મોટી જવાબદારી નિભાવવાના છે. ટીમમાં ડિફેન્સને પૂરક બની રહે તેવા સારા રેઈડર્સ પણ છે.” વધુ એક વાર જાયન્ટસના રેઈડ વિભાગની આગેવાની હવે સચીન તનવર સંભાળશે. સચીનનો ટીમમાં યથાવત રાખવામાં આવેલા ચાર ખેલાડીઓમાં સમાવેશ થાય છે. 20 વર્ષની ઉંમરના રાજસ્થાનમાં જન્મેલ આ રેઈડર તેના આક્રમક મૂડમાં છે, તેણે ગઈ સિઝનની 23 ગેમ્સમાં 190 પોઈન્ટસ મેળવ્યા હતા. ગુલીયા જણાવે છે કે “તે અમારો મુખ્ય રેઈડર છે, જ્યારે જ્યારે પણ તે વિરોધી જૂથમાં રેઈડ કરે છે ત્યારે પોઈન્ટસ મેળવે છે. તેની પોઈન્ટસ મેળવવાની ક્ષમતામાં અમને વિશ્વાસ છે. તે ટીમને પ્રેરણા પૂરી પાડે છે, જ્યારે તે પોઈન્ટસ મેળવે છે ત્યારે ડિફેન્સમાં પણ જોશ આવે છે.”