જામનગર: ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. અને નવરાત્રિ બાદ હવે દિવાળીને પણ થોડા જ દિવસો બાકી છે. સામાન્ય રીતે આ દિવસોમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી હોય છે અને શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસુ વિદાયના મુડમાં દેખાય જ રહ્યું નથી. ખેડૂતો માટે તો આ વરસાદ આફત તરીકે વરસી રહ્યો છે. મંગળવારે જામનગરમાં ફરીથી ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મગફળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મંગળવારે વરસેલા વરસાદના કારણે જામનગરના કાલાવડ તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં નુકસાન વેઠવું પડ્યું છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં 22 ઓક્ટોબરે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધાં છે. ઉલ્લેખનીય છે કે કાલાવડમાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે થઈ હતી અને ગામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં. આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ આ અચાનક પડેલા પાછોતરા વરસાદથી ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે. ઘણાં ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે, જેનાથી તેમને ભારે આર્થિક નુકસાન પણ થયું છે. ગામની નદી બે કાંઠે વહેતા ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો અને ગ્રામજનો એકબીજા સાથે સંપર્ક સાધી ન હતાં શકતાં. આ અચાનક પડેલા વરસાદથી ગામમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. આ સાથે અનેક ખેડૂતોને પાક ધોવાઈ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
