ભારે વરસાદથી સરકારી 250 કરોડની મિલકત પર પાણી ફરી વળ્યું

ગુજરાતમાં ધીરે ધીરે મેઘ મહેર મેઘ કહેરનું સ્વરૂપ લઈ રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો વરસાદને ખમૈયા કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે ભારે વરસાદના કારણે માત્ર સરકારી મિલકતોને જ 250 કરોડ રૂપિયાનુ નુકસાન પહોંચ્યું છે. જોકે, અતિવૃષ્ટિથી થયેલાં નુકશાનનો અંદાજ મેળવવા કેન્દ્રની ટીમ ગુજરાત પહોંચી છે. આ ટીમના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય પેકેજ જાહેર કરશે, તેમજ રાજ્ય સરકાર પણ નુકસાનીનો સર્વે કરીને સહાયની માંગણી કરશે.

આ વર્ષે ભારથી અતિભારે વરસાદને કારણે ખેડૂતો સહિત રાજ્યના મહાનગરોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી હતી. આ ઉપરાંત વડોદરામાં શહેરીજનોની ઘરવખરીથી માંડીને મિલકતોને પણ નુકસાન થયું છે. એક બાજુ વરસાદના કારણે રસ્તાથી માંડીને પુલ, સરકારી મકાનો, વીજળીના થાંભલા, ટેલિફોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વૃક્ષો અને ઘાસના ગોડાઉનોને મોટાપાયે નુકસાન થયું છે. સરકારનો અંદાજ છે કે, ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 4173 કિમી રસ્તા વરસાદી પાણીમાં ધોવાયા છે જયારે 1543 નાના-મોટા પુલોને નુકશાન થતાં સમારકામની જરૂરિયાત ઉભી થઇ છે. આ ઉપરાંત 59 પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પાંચ જીલ્લા આરોગ્ય કેન્દ્રોને પણ નુકશાન થયું છે. 11 ઘાસના ગોડાઉન ઉપરાંત 178 ટેલિફોન ઇન્ફાસ્ટ્રકચર અને 29 સરકારી મકાનો વરસાદને કારણે નુકશાનગ્રસ્ત થયા છે. ભારે પવન સાથેના વરસાદે વીજથાંભલાને પણ નુકશાન કર્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ મળીને 23,972 વીજથાંભલા પડી ગયા હતાં. 940 કીમી લાઇટની લાઇન સહિત 1974 ટ્રાન્સફોર્મરને નુકશાન પહોંચ્યુ હતું. નહેરો ઉપરાંત અન્ય નુકશાનને કારણે સરદાર સરોવર નિગમને પણ રૂા.1210 લાખના નુકશાનનો અંદાજ સેવાઇ રહ્યો છે.

પ્રાથમિક સર્વેમાં 587 સરકારી શાળાઓને નુકશાન થયું હોવાનો અંદાજ છે જયારે 260 પોલ્ટ્રીને પણ નુકશાન પહોચ્યું છે. ભારે વરસાદને કારણે પશુઓનો મૃત્યુઆંક વધીને 5172 થયો છે. 127 કૂવા- તળાવ ઉપરાંત નહેરો નુકશાનગ્રસ્ત થઇ છે. આમ, ભારે વરસાદથી માત્ર સરકારી મિલકતોને જ 250 કરોડ રૂપિયાથી વઘુનું નુકશાન પહોંચાડ્યું છે.