ગાંધીનગર- વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે દિવ્યાંગોને એક અનોખી ભેટ આપવામાં આવી. રાજયપાલ ઓ.પી.કોહલી દ્વારા ઉમરા ખાતે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટની ‘‘દિવ્યાંગ ન્યુઝ ચેનલ’’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ ચેનલના ઉદ્દઘાટન બાદ રાજયપાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ યોજનાઓ દિવ્યાંગો અને સમાજને સરળતાથી પહોચાડવામાં દિવ્યાંગ ચેનલ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. દિવ્યાંગોના કલ્યાણ માટે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.જી.ઓ. કાર્ય કરતી હોય છે. જેમની પ્રવૃત્તિઓ અંગેની જાણકારી પણ આ ચેનલના માધ્યમથી દિવ્યાંગોને પહોચે તેવું સૂચન તેમણે કર્યું હતું.
રમતગમત, શિક્ષણ કે અન્ય ક્ષેત્રોમાં દિવ્યાંગજનોએ હાંસલ કરેલી સિધ્ધિઓ ચેનલના માધ્યમથી પહોંચાડવામાં આવે તો અન્ય દિવ્યાંગોના આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. દિવ્યાંગો માટે મળતી સરકારી સહાયમાં આવતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવાની સાથે દરેક પરિવારો એક દિવ્યાંગને દત્તક લઈને દિવ્યાંગો પ્રત્યે સંવેદના દાખવે તેવી હિમાયત રાજયપાલે કરી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ યોજનાઓ ચેનલના માધ્યમથી છેવાડાના દિવ્યાંગો સુધી સરળતાથી પહોચી શકશે. દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓના નિવારવા માટે રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અનેકવિધ પ્રયાસોની તેમણે વિગતો આપી હતી.