ગાંધીનગરઃ રાજ્ય માટે ઊનાળાની શરુઆતે જ કાયમ પાણી પાણીના પોકાર ઉઠ્યાંના અહેવાલ છપાવા લાગતાં હોય છે ત્યારે ચોમાસાની સીઝનમાં વરસતું વરસાદી પાણી એક મોંઘામૂલી મિલકત જેવું લાગતું હોય છે. રાજ્યના જળાશયોમાં સંગ્રહાતું જળ સક્ષમ અર્થતંત્રની દ્રષ્ટિએ જોવામાં આવે છે ત્યારે આ સમાચાર સાચે જ આનંદદાયક છે.
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે ૮ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૩.૩૮ ટકા વરસાદ વરસ્યો છે.
આ સાથે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૬ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૦ જળાશયો છલકાયા છે. ૧૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૭ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૯.૪૨ ટકા ભરાયું છે. અત્યાર સુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૦.૫૨ ટકા વરસાદ થયો છે રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં આમ જણાવાયું છે.
હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૬૪,૬૬૨, ઉકાઇમાં ૬૩,૩૦૦, દમણગંગામાં ૨૩,૨૩૭, કડાણામાં ૭,૦૫૦, વણાકબોરીમાં ૫,૫૦૦ કરજણમાં ૪,૪૯૦, પાટાડુંગરીમાં ૧,૬૬૭ અને કેલિયામાં ૧,૦૩૭ ક્યુસેકનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૪૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૩.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૭૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૫૪ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૩૪ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૩.૦૪ ટકા એટલે ૨,૩૯,૬૩૧ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. હાલમાં પાંચેક દિવસ વરસાદી રાઉન્ડની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે ત્યારે જળસંગ્રહમાં હજુ વધુ વધારો થશે તે ચોક્કસ છે.