માત્ર 3 ફૂટની હાઈટ ધરાવતો ગણેશ બનશે ડોક્ટર, સુપ્રીમના આદેશ બાદ તેના સ્વપ્નને મળી પાંખો…

ભાવનગરઃ પરીસ્થિતી જીવનની કોઈપણ હોય ક્યારેય ડગવું નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ પ્રકારની વાતો અને કહેવતો આપણે આપણા વડીલો અને પુસ્તકો પાસેથી શીખી છે. હકીકતમાં ખરો માણસ એ જ કહેવાય કે પોતાની નબળાઈઓને પગથીયું બનાવીને પોતાની મંજીલ તરફ પગલા માંડે. ઘણા લોકો હોય છે કે જેઓ પોતાની શારીરિક ખામીને પોતાના જીવનનો પ્લસ પોઈન્ટ બનાવીને જીવતા હોય છે, આવા લોકો સમાજ માટે પ્રેરણારુપ હોય છે.

આજે એવા જ એક વ્યક્તિની વાત કરવી છે. વાત છે ભાવનગરના તળાજાના ગોરખી ગામમાં રહેતા, 18 વર્ષીય ગણેશભાઈ બારૈયાની. આ માણસની હાઈટ માત્ર 3 ફૂટ છે અને તેમનું વજન માત્ર 15 કિલો છે અને તેમનો અવાજ પણ નાનકડા બાળક જેવો છે. આ વ્યક્તિએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાના સૌથી ઓછી હાઈટ ધરાવતા ડોક્ટર તરીકે પોતાનું નામ નોંધાવવા માટે જીવનમાં આવેલા દરેક પડકારોનો સામનો કર્યો.

ગણેશનું સ્વપ્ન હતું કે તેઓ ડોક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. પરંતુ તેમના આ સ્વપ્નને ત્યારે ઝાટકો લાગ્યો કે જ્યારે માત્ર હાઈટ અને વિકલાંગતાના કારણે તેમને રાજ્ય સરકારે એમબીબીએસમાં એડમિશન લેવાની મંજૂરી ન આપી. જો કે ગણેશે હાર ન માની અને કાયદાકીય લડાઈ લડવાનો નિર્ણય કર્યો. તેઓ હાઈકોર્ટ ગયા. પણ ત્યાં પણ તેમને નિરાશા હાથ લાગી. ત્યારબાદ ગણેશ સુપ્રીમ કોર્ટમાં પોતાની લડાઈ લડ્યા. હવે સુપ્રીમ કોર્ટે તેમના હિતમાં નિર્ણય આપ્યો છે અને આ સાથે જ તેમના ડોક્ટર બનવાના સ્વપ્નને પાંખો મળી ગઈ છે.

ગણેશે ગત વર્ષે NEET ની પરિક્ષામાં 233 અંક પ્રાપ્ત કર્યા હતા પરંતુ તેમને એડમિશન ન આપવામાં આવ્યું. કારણ દર્શાવવામાં આવ્યું કે નાના કદ અને વિકલાંગતાના કારણે તેમને ઓપરેશન સહિત અન્ય જરુરી કાર્યોમાં સમસ્યાઓ નડશે. જો કે આ નિયમ વિરુદ્ધ ગણેશ હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે પણ સરકારના નિર્ણયને પડકાર આપનારી અરજી ફગાવી દીધી.

તો બીજી તરફ ગણેશે પણ વિચારી લીધું હતું કે તેઓ પોતાના સ્વપ્નને પૂરા કરવા માટે છેક સુધી લડાઈ લડશે. હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ ગણેશે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે માત્ર શારીરિક અક્ષમતા અને હાઈટના કારણે કોઈના સ્વપ્નને અમે સાકાર થતા ન રોકી શકીએ.

સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય બાદ ગણેશ સહિત તેમનો આખો પરિવાર ખુશ છે. ગણેશ હવે 18 વર્ષના થઈ ગયા છે અને તેમનું વજન પણ એક કીલો વધીને 15 કિલો થઈ ગયું છે. ગણેશને હવે લાગી રહ્યું કે તે ડોક્ટર બનીને લોકોની સેવા કરવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરી શકશે. આ જ સપ્તાહે તેઓ ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા જઈ રહ્યા છે.