રાજ્યમાં વરસાદનું સામાન્ય જોર ઘટ્યું છે. પરંતુ રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી ભારે વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ યથાવત્ રહેતા ડેમમમાં 60 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ રહી હતી, ઉલ્લેખનીય છે કે ડેમનું રૂલ લેવલ કરતાં પાણી થોડું ડ દૂર રહેતા ડેમના 4 ગેટ ચાર ફૂટ ખોલીને 46 હજાર ક્યૂસેક પાણી છોડવાનું આગોતરું પગલું ભરી લેવાયું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં અઠવાડિયાથી ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીતેલા ચોવીસ કલાકમાં પણ આ રીતે વરસાદ યથાવત્ રહ્યો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા 51 રેઈનગેઝ સ્ટેશન પૈકી ચેરલીમાં 15 મિમી, નંદુરબારમાં 13 મિમી, ખેતિયામાં 14 મિમી, નિઝરમાં 17 મિમી, અક્કલકૂવામાં 12 મિમી, ડોસવાડામાં 21 મિમી, ઉકાઈમાં 16 મિમી વરસાદ નોંધાયો છે.
ઉકાઈ ડેમમાં આજે સવારથી 60 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આશરે એક લાખ ક્યુસેક જેટલી પાણીની આવકથી ડેમની સપાટી વધીને 334.55 ફૂટે પહોંચી હતી. જેને પગલે તંત્ર દ્વારા સતર્કતાના ભાગેરૂપે ઉકાઈ ડેમના 4 ગેટ ચાર ફૂટ ખોલીને 46 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું. આગામી દિવસમાં પાણીની આવકને ધ્યાને લઈ જાવક નક્કી થશે. સંભવતઃ આવતીકાલે સવાર સુધીમાં પાણીની સપાટી રૂલ લેવલને આંબી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચિંતાનો કોઈ જ વિષય નથી. સ્થાનિક લેવલે વરસાદે વિરામ લીધો છે. ઉપરવાસમાં ચિંતા કરવી પડે તેટલો વરસાદ નથી. રૂલ લેવલ 335 ફૂટ હોવાથી તંત્રએ રૂલ લેવલ જાળવી રાખવા પાણી છોડવાનો આરંભ કર્યો છે.