ઉત્તરાયણ પર્વ પહેલા ફુડ વિભાગની તવાઈ, અખાદ્ય પદાર્થના વેપાર પર કડક કાર્યવાહી

ગુજરાતમાં ફરી એક વખત તહેવાર ગણતરીના બાકી રહ્યા છે. ત્યારે તહેવાર પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફુડ વિભાગ જાગ્યું છે. દિવાળી પર્વની જેમ ઉત્તરાયણ પર્વેને ત્રણ દિવસ બાકી ત્યારે ફુડ વિભાગ ચેકિંગ માટે નીકળ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ખાદ્યપદાર્થના વિક્રેતાઓને ત્યાંથી ઉંધીયા ઉપરાંત જલેબી, ચીકી સહીતના ખાદ્યપદાર્થના શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે. બાપુનગરમાં ચંદ્ર ખમણના એકમને એકના એક તેલમાં તળવાની બાબતને લઈ ફુડ વિભાગે સીલ કર્યુ છે.

સૂત્રોની માહિતી પ્રમાણે ઉત્તરાયણ પર્વ અગાઉ મ્યુનિ.ફુડ વિભાગે ઓર્ગેનિક ફુડના 122 આ ઉપરાંત મલાઈ, પેંડા, જલેબીના 18 જ્યારે ઉંધીયાના 4 સેમ્પલ લીધા હતા. નમકીન,ફાફડાના 6 તેમજ ચિકકી,તલના લાડુ, મેથીના લાડુના 5 શંકાસ્પદ સેમ્પલ લીધા છે. વસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલા ધ ફયુઝન પીઝાના એકમની તપાસ સમયે બિન આરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતા આ એકમને ફુડ વિભાગે સીલ કર્યુ છે. જ્યારે બીજી બાજું પુર્વ વિસ્તારમાં બાપુનગરમા આવેલા ચંદ્ર ખમણના એકમની શુક્રવારે કરવામા આવેલી તપાસમાં તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ નિયત માત્રા કરતા વધુ મળી આવતા તથા બિન આરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતા આ એકમને  ફુડ વિભાગ દ્વારા સીલ કરવામા આવ્યુ છે.

તો આ બાજુ સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં પણ ગઈકાલે ફુડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનો તેમજ ઉત્પાદન સ્થળો ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન વસાણાં, ચીક્કી, ઉંધિયુ સહિત વિવિધ 189 ચીજવસ્તુઓના નમૂના લીધા હતા અને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા