ગાંધીનગરમાં જૂના સચિવાલયની બિલ્ડિંગમાં લાગી આગ

ગાંધીનગરમાં ગુજરાત સરકારના ડો. જીવરાજ મહેતા ભવન – જૂના સચિવાલયની બિલ્ડિંગ- બ્લોક નંબર 1 માં મંગળવારે સવારે આગ ફાટી નીકળી હતી. ઓફિસ સમય પહેલા લાગેલી આગને અંદાજે એક કલાકમાં કાબુમાં લાવવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ બ્લોક નં. 1 બ્લોક નંબર 8 ની નજીક અને જૂના સચિવાલયના ગેટની સામે આગ લાગી હતી. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી અને ફાયર વિભાગના બે મોટા ફાયર કોટનરોલ વાહન અને એક નાનું વાહન જોવા મળ્યું હતું, જેણે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

આ અગાઉ પણ 13 નવેમ્બરના ભરૂચના ઝઘડિયાના જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક સ્પાર્કથી શરૂ થયેલી આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં જ તુરંત કંપનીના તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  આ ઉપરાંત 11 નવેમ્બરના રોજ વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ પછી રિફાઈનર કંપનીમાં વધુ એક બ્લાસ્ટ થતા બે વ્યક્તિના મોત નીપજ્યાં છે. જ્યારે આગને કાબુ કરવા માટે અન્ય શહેરની ફાયર ટીમને બોલાવામાં આવી છે. અને લગભગ 13 કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 9 નવેમ્બરના નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોતને ભેટ્યાં છે.