પોરબંદરમાં બાવળના જંગલમાં આગ, ભારે પવનથી આગ બની બેકાબૂ

પોરબંદર: ગુજરાતમાં પાછલા 24 કલાકથી સુંકા પવનો ફુંકાય રહ્યા છે. હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કર્યું હતું. આ વચ્ચે પોરબંદરમાં બુધવારે પાંચ માર્ચે છાયા વિસ્તારમાં બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં આગ લાગવાની ઘટના બની હતી. બપોરે ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ લીધું છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતાં તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડનો કાફલો આદ પર કાબુ મેળવવાના પ્રયાસમાં છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગ વધુ વિકરાળ બનતાં સુરક્ષાના ભાગ રૂપે બિરલા સ્કૂલમાંથી તમામ મહત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવાયા હતાં. આ સિવાય આસપાસમાં રહેતાં રહીશોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય તમામ ઘરોમાંથી ગેસ સિલિન્ડર બહાર કાઢી દેવાયા છે. નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાના કારણ વિશે જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા 8 જેટલાં વોટર ટેન્કરથી આગ ઓલવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સિવાય બુલડોઝર દ્વારા આગ વધુ ન પ્રસરે તે માટે ખાલી કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે. પરંતુ, અંતરયાળ વિસ્તારમાં હજુ સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ છે.