રાજકોટમાં પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો, PI સંજય પાદરિયા પર આરોપ

રાજકોટ: ભાજપના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ હુમલો ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયાએ કર્યાનો આરોપ કરાયો છે. જયંતી સરધારાએ PI સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર PI સંજય પાદરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે. નોંધનીય છે કે, PI સંજય પાદરિયા જૂનાગઢમાં પોતાની ફરજ બજાવે છે. હુલમાની ઘટના રાજકોટમાં બની હતી જેથી રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમાજ સાથે ગદારી કરી કહી હુમલો કર્યાનો, પહેલા હુમલો કરી ઉશ્કેર્યાનો અને ત્યાર બાદ મુક્કા માર્યાનો આરોપ જયંતિ સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર લગાવ્યો છે. ‘સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા? એવું કહીને હુમલો કર્યાનો PI સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવાયો છે. મહત્વની વાત એ છે કે, જ્યાં આ ઘટના બની એ જગ્યા એટલે કે, પાર્ટી પ્લોટના CCTV તપાસવામાં આવે તો સમગ્ર ઘટનાની જાણ થઈ શકે તેમ છે. હુમલામાં ઘાયલ થયેલા જયંતીભાઈ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે. તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવાયું છે કે, આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વાજબી નથી. આ સમગ્ર મામલે એક તરફ સામાસામા આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ જયંતીભાઈ સરધારા પર હુમલો કરનાર PI સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.