અમદાવાદ : શહેરની વી.એસ. હોસ્પિટલ તંત્રની લાલિયાવાડીનો ભોગ મૃતદેહ પણ બને છે.અજબ લાગે તેવી બેદરકારીના નમૂના જેવી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. વીએસ હોસ્પિટલ તંત્રએ બાવળામાં મિતલ નામની જે યુવતીની હત્યા થઇ તેનો મૃતદેહને સોંપવાને બદલે મિતલના પરિવારજનોને કર્ણાટકની એક મુસ્લિમ મહિલાનો મૃતદેહ સોંપી દીધો. જે બાદ મિતલના પરિવારજનોએ આ મૃતદેહની અંતિમવિધિ કરી નાખી. જ્યારે કર્ણાટકની મૃત મહિલા નસરીન બાનુના પરિવારજનોને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓએ વીએસ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને લઇને વીએસ હોસ્પિટલના સત્તાધીશો, કોર્પોરેશનના અધિકારીઓ અને મેયર વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે.સાથે જ મિત્તલના મૃતદેહની જે સ્થળે દફનવિધિ કરાઈ છે ત્યાં પોલિસ પોહંચી છે અને ડેડબોડી પરત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગઇકાલે સવારે એક મુસ્લિમ ગર્ભવતી મહિલાનું પ્રસૂતિ પહેલાં જ મોત નીપજ્યું હતું. જેનો મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે આજે પરિવારજનો મહિલાનો મૃતદેહ લેવા ગયાં ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ જ ન હતો. જેના કારણે મૃતક મહિલાનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ગઇકાલે વહેલી સવારે ગર્ભવતી મહિલા નસરીનબાનુને પ્રસૂતિનું દુખ ઉપડતા હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. આ મૃતક મહિલાનાં સ્વજનો કર્ણાટકથી આવવાનાં હોવાને કારણે મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા પછી કોલ્ડ સ્ટોરેજમાં જ રાખવામાં આવ્યો હતો. આજે બપોરે 3.30 કલાકે આ મુસ્લિમ પરિવારે મહિલાની અંતિમવિઘિ રાખી હતી. જેથી તેઓ નમાઝ અદા કરીને બપોરે 2.00 કલાકે મૃતદેહને લેવા આવતાં મૃતદેહ ગાયબ થયાની જાણ થઇ હતી.
પરિવારનાં આ રોષને કારણે હોસ્પિટલની બહાર પણ પોલીસ બંદોબસ્ત કરવામાં આવી દીધો હતો. તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના રાજમાં કોઇ સુરક્ષિત નથી. સ્ટોરેજમાંથી મૃતદેહ ગાયબ થવો દુખની વાત છે, સમગ્ર ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે.
મૃતક મહિલાનાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે, ‘બે દિવસ પહેલા બાવળામાં યુવતીની હત્યા થઇ હતી. જેનો મૃતદેહ પણ આ જ કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. જેથી હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે બાવળાની યુવતીનાં મૃતદેહને બદલે અમારી દીકરીનો મૃતદેહ તેમના પરિવારને આપી દીધો છે.’
બાવળા હત્યા કેસમાં મૃત્યુ પામેલી મિત્તલ જાદવનો મૃતદેહ વીએસ હોસ્પિટલમાં હતો. અને બીજી તરફ કર્ણાટકની ગર્ભવતી મહિલા નસરીનનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આમ નસરીનનો મૃતદેહ અને મિત્તલનો મૃતદેહ અદલાબદલી થયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વિએસના સુપ્રિટેન્ડન્ટ મનીષ પટેલે કહ્યું કે, આ પટ્ટાવાળાની ભૂલ હોય શકે છે તેમ જ આરએમઓ હાજર ન હોવાને લઇને પણ તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે.