કાયમી ભરતી માટે દસ દિવસ બાદ પણ વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત્

ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને આંદોલનના માર્ગે છે. ગત 17 માર્ચથી શરૂ થયેલ આ વિરોધ પ્રદર્શન આજે દસમા દિવસે પણ યથાવત્ છે, અને શિક્ષકો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે. આંદોલનકારીઓએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેટ નંબર 1 પાસે પહોંચે તે પહેલાં જ પોલીસે તેમને રોકીને અટકાયત કરવાનું શરૂ કર્યું. આ ઘટના દરમિયાન વ્યાયામ શિક્ષકો આક્રમક દેખાયા હતા.

આંદોલનકારીઓનું કહેવું છે કે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી. તેઓ માગણી કરી રહ્યા છે કે સરકાર કરાર આધારિત નિમણૂકો બંધ કરે અને કાયમી ભરતીની પ્રક્રિયા શરૂ કરે. આ મુદ્દે સરકારનું ધ્યાન ખેંચવા માટે તેઓ ગાંધીનગરમાં ડટી રહ્યા છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે અને તંત્ર સતર્ક બન્યું છે.

મુખ્ય માંગણીઓ:

  • રાજ્યમાં 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક થઈ નથી. આથી તાત્કાલિક કાયમી ભરતી શરૂ કરવામાં આવે.
  • હાલમાં માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ વ્યાયામ શિક્ષકોની ભરતી થાય છે, તે પણ ખાલી જગ્યાઓની સરખામણીએ ઓછી સંખ્યામાં. ધોરણ 1થી 8માં પણ કાયમી શિક્ષકોની નિમણૂક થવી જોઈએ.
  • લાંબા સમયથી ભરતી ન થવાને કારણે નવો સરકારી ઠરાવ (જી.આર.) ઘડવામાં આવે અને ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આંદોલનમાં સામેલ વ્યાયામ શિક્ષકોની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અને ખેલ સહાયકોનું કહેવું છે કે કરાર આધારિત ભરતી બંધ થવી જોઈએ. તેઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને RTE 2009ની જોગવાઈઓનો હવાલો આપી રહ્યા છે, જેમાં શારીરિક શિક્ષણને ફરજિયાત ગણવામાં આવ્યું છે. તેઓ ઈચ્છે છે કે ગુજરાત સરકાર આ નીતિઓને આધારે વ્યાયામ શિક્ષણને પૂર્ણકાલીન મહત્વ આપે અને SAT પરીક્ષાને ભરતીની લાયકાત તરીકે સ્વીકારે, જેથી ભવિષ્યના ખેલાડીઓ તૈયાર થઈ શકે.

સરકારે રાજ્યમાં ‘ખેલ સહાયક યોજના’ લાગુ કરી છે, પરંતુ આંદોલનકારીઓ તેને નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ યોજના શિક્ષકો અને બાળકો બંનેના હિતમાં નથી. કરાર આધારિત શિક્ષકો બાળકોને રમતનું પ્રાથમિક જ્ઞાન આપે છે, પરંતુ તેમનો કરાર પૂરો થતાં બાળકોની પ્રગતિ અધવચ્ચે અટકી જાય છે. શિક્ષકોનું એમ પણ કહેવું છે કે 11 મહિનાના કરારમાં રજાઓના નિયમો સ્પષ્ટ નથી, અને ઘણીવાર લેખિત સૂચના વિના જ તેમને છૂટા કરી દેવાય છે. આ ઉપરાંત, પગારની ચુકવણીમાં પણ અસમાનતા જોવા મળે છે—કેટલાક જિલ્લાઓમાં પૂરો પગાર મળે છે, જ્યારે કેટલાકમાં મળતો જ નથી. વિરોધ કરી રહેલા શિક્ષકોનો દાવો છે કે તેઓ એક વર્ષથી સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે અને અનેક અરજીઓ આપી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. તેઓ માગે છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક થાય, જે હાલ થતી નથી. આ મુદ્દે તેઓએ ગાંધીનગરમાં રેલી કાઢીને પોતાનો અવાજ ઉઠાવ્યો છે.