અમદાવાદઃ બીમારીઓની સારવારમાં વપરાતી દવાઓ ક્યારેક અવળી અસર કરે તો તેના પર દેખરેખ અને તેનું રિપોર્ટીંગ કરવા યોગ્ય વ્યવસ્થા આવશ્યક છે. સરકાર તરફથી આ હેતુસર સિસ્ટમ ગોઠવવામાં આવી છે અને મોટી કંપનીઓએ પણ તેના માટે ખાસ ઈમેલ રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તે સિસ્ટમનો યોગ્ય ઉપયોગ થાય તેના માટે જનજાગૃતિ લાવવાની જરૂર છે, એમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ નવીન શેઠે જણાવ્યું હતું.
તેમણે જીટીયુ સંલગ્ન ઈન્દુભાઈ પટેલ કૉલેજ ઑફ ફાર્મસી એન્ડ રિસર્ચ સેન્ટરમાં યોજાયેલી બે દિવસીય પરિષદના ઉદઘાટન સમારંભમાં ઉપરોક્ત ઉદગારો વ્યક્ત કર્યા હતા. પરિષદમાં ફાર્મસી કૉલેજોના આશરે 140 પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. આ પરિષદમાં પોસ્ટર પ્રેઝન્ટેશનમાં 30 પોસ્ટરો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉ. શેઠે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ભણતરમાં રસ પડે એ રીતે તેઓને અભ્યાસ કરવા મળે એવું વાતાવરણ ઊભું કરવાની જવાબદારી પ્રાધ્યાપકોની છે.
પરિષદમાં કૉલેજના સંચાલક મંડળ સંસ્કૃતિ સંરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જીતેન્દ્ર પટેલ, દેવાંગભાઈ પટેલ અને ચંદ્રકાન્ત પટેલ પણ ઉપસ્થિત હતા. અતિથિવિશેષ તરીકે ડૉ. વંદના પટેલે આવા કાર્યક્રમો યોજવાની જરૂરિયાત વિશે છણાવટ કરી હતી. ડૉ. ઉપમા ત્રિવેદીએ કોર્સ કો-ઓર્ડિનેટરની ભૂમિકા ભજવી હતી.
કાર્યક્રમના બીજા દિવસે દવા ઉદ્યોગ અને ફાર્મસી તથા મેડિકલ શિક્ષણ જગતના નિષ્ણાતોએ રસપ્રદ વક્તવ્યો આપ્યા હતા. જેમાં એક્યુપ્રેક રિસર્ચ લેબ્સના ડિરેક્ટર અને સીઈઓ ડૉ. મનિષ રાચ્છ, બી.જે. મેડિકલ કૉલેજના ફાર્મકોલોજી વિભાગના વડા ડૉ. મીરા દેસાઈ, કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કૉલેજના ડૉ. બરના ગાંગુલી,આણંદની આકાંક્ષા હૉસ્પિટલના ડૉ. રોહન પરીખ, એલ.એમ. ફાર્મસી કૉલેજના ડૉ. પારૂલ ભટ્ટ અને સુમનદીપ વિદ્યાપીઠના ડૉ. સત્યગીરી વગેરેનો જોડાયા હતા.