નવી દિલ્હીઃ બુધવારે મોડી રાત્રે ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, અંબાજી, માઉન્ટઆબુ, હિંમતનગર સહિતના વિસ્તારોમાં આશરે 10.40 સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધાબા પર સૂઇ રહેલાં રહીશોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારમાં 20 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ભૂકંપના આંચકાની તીવ્રતા 4.8ની આસપાસ રહી હતી. આબુથી લઇ અમદાવાદના થલતેજ અને જજીસ બંગલા વિસ્તાર સુધી આ આંચકો અનુભવાયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિદુ પાલનપુરથી 34 કિલોમીટર દૂર ઉત્તરપૂર્વમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ભૂકંપના આંચકાની અસર અરવલ્લીની ગીરીમાળાઓમાં પણ જોવા મળી હતી. જિલ્લામાં ભૂકંપના તીવ્ર આંચકા આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોડાસા,બાયડ, ધનસુરા, અને શામળાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આશરે 10 સેંકન્ડ સુધી લોકોને ધરતીકંપનો અહેસાસ થયો હતો.