શાળાઓમાં નવરાત્રિ વેકેશન રદ કરવા કેબિનેટ બેઠકમાં નિર્ણય…

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ વેકેશન રાખવું, ન રાખવુંને લઈને ચલકચલાણું ચાલી રહ્યું છે. જેમાં આજે વધુ એકવાર નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સૂરત રાજકોટના કેટલાક શાળાસંચાલકોની માગણી મુજબ સરકાર દ્વારા નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળું વેકેશન પુરું થવાના આરે છે ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસ બાદ શાળા અને કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે.

કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ત્યારે હવેથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રાબેતા મુજબ જ આપવામાં આવશે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યાં છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વિકેશન લંબાવવાનું નથી.

બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું છે. પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે જ્યારે બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં 8 દિવસનું નવરાત્રિ વેકેશન હતું જે હવે કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં પુનઃ 21 દિવસનું દીવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે.