ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ICG અને ATSની મોટી કાર્યવાહી

ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની હેરફેરનો મોટો કેસ ઝડપાયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની સંયુક્ત કાર્યવાહીમાં અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી. આ ઓપરેશનમાં 300 કિલોગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ છે.

ગુપ્ત માહિતીના આધારે 13 એપ્રિલની મોડી રાત્રે શરૂ થયેલા આ ઓપરેશનમાં ICGએ જહાજો અને વિમાનો તૈનાત કર્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક શંકાસ્પદ બોટને ઘેરી લેવામાં આવી. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ ઝડપી કાર્યવાહી કરી બોટને કબજે કરી.

આ કાર્યવાહી દરમિયાન બોટમાં સંડોવાયેલા કેટલાક શખ્સોની પણ ધરપકડ કરાઈ હોવાનું સૂત્રો જણાવે છે. આ ઘટનાએ ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની દાણચોરીના વધતા જોખમો ઉજાગર કર્યા છે. તપાસ એજન્સીઓ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.