‘દિશાન શાહ’ ACCA માં પાસ થનાર ભારતનો પ્રથમ વિદ્યાર્થિ

મને અભ્યાસ કરવો ખુબ ગમે, ધોરણ નવમાં હતો ત્યારે હું સ્કુલની સ્ટડી તો કરતો જ હતો પરંતુ તે મને ઓછી લાગતી. માટે મને કઇંક એક્સટ્રા કરવાનો વિચાર હતો. ત્યારે પપ્પાએ મને ACCA (એસોસિએશન ચાર્ટર્ડ સર્ટિફાઇડ એકાઉન્ટન્ટ્સ)ના કોર્સ અંગે માહિતી આપી અને આજે મારી મહેનત રંગ લાવી છે. આ શબ્દો છે અમદાવાદના ઘોરણ 12માં અભ્યાસ કરતા દિશાન શાહના.

માત્ર 17 વર્ષની ઉંમરે ACCA માં પાસ થનારો દિશાન સમગ્ર ભારતમાં પ્રથમ વિદ્યાર્થિ છે. માતા નિકિતા શાહ અને પિતા ઉર્વિશ શાહના બે સંતાનોમાં દિશાન મોટો દિકરો. બાળપણથી જ ભણવામાં હોંશિયાર દિશાનને હંમેશા કઇંક નવું કરવું ગમે. પપ્પા સીએ હોવાના કારણે આંકડાની ગણતરી તો તેને ગળથુથીમાં જ મળી હતી.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા દિશાન શાહ કહે છે, સ્ટડી કર્યા પછી પણ મારે કઇંક અલગ કરવું હતું, મને એમ લાગ્યા કરતું કે મારે વધારે અભ્યાસ કરવો જોઇએ. વાત વાતમાં એક દિવસ પપ્પાએ મને કહ્યું કે તારે ACCA  કરવું હોય તો તુ અત્યારે કરી શકે છે. બસ પછી તો મેં નિર્ધાર કર્યો કે ગમે તે થાય આ પરિક્ષામાં પાસ થઇને જ રહેવું.  ACCA માં કુલ 13 પેપર હોય છે. જ્યારે હું ધોરણ 9માં અભ્યાસ કરતો હતો ત્યારે જ મેં પ્રથમ પેપર પાસ કરી લીધુ હતું. જ્યારે છ મહિના પહેલા મેં એડવાન્સ ટેક્સનું 11મું પેપર આપ્યું હતું જેમાં સમગ્ર ભારતમાં મારો બીજો રેન્ક અને વિશ્વમાં નવમોં રેન્ક આવ્યો હતો. ત્રણ-ત્રણ મહિનાના સમયગાળામાં તમે બે પેપર આપી શકો, પરંતુ હું સારી તૈયારી કરીને ત્રણ મહિને એક પેપર આપતો. છેલ્લા જૂનમાં મેં લાસ્ટ બે પેપર આપ્યા અને તેમાં પાસ થઇને ACCA ક્લિયર કરી લીધું.

વધુમાં દિશાન કહે છે કે, ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટી જે ACCA સાથે જોડાણ ધરાવે છે, તે નવ પેપર પુર્ણ કર્યા પછી તે બેચરલ કરવાની તક આપે છે. જેની માટે રિસર્ચ પેપર આપવાનું હોય જે પેપર મે આપ્યું છે તેનું રિઝલ્ટ સપ્ટેમ્બરમાં આવશે, જો તેમાં હું પાસ થઇ જઈશ તો ધોરણ 12 કર્યા પહેલા મારી પાસે બેચરલનો ટેગ આવી જશે.

અમદાવાદની નવકાર પબ્લિક સ્કુલમાં અભ્યાસ કરતા દિશાન શાહને અભ્યાસ ઉપરાંત ટ્રેકિંગમાં પણ રસ છે, ગત વર્ષે દિશાન હિમાચલ પ્રદેશમાં 14000 ફૂટની ઊંચાઇએ આવેલા બ્રિધુ તળાવ પર ગયો હતો. આ ઉપરાંત દિશાનને મ્યુઝીકમાં પણ રસ છે તેને લંડનથી કીબોર્ડ વગાડવા માટે વિવિધ પ્રમાણપત્રો મળ્યા છે.

દિશાને અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે યુએસએમાં આઇવી લીગ કોલેજમાં પહોંચવાનું લક્ષ્ય છે. હાલમાં ધોરણ 12ની સાથે IELTS અને SAT પરીક્ષાઓની તૈયારી કરે છે.