અમદાવાદ – શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા કાંકરિયા તળાવ નજીકના બાલવાટિકા ઉદ્યાનમાં આજે સાંજે પેન્ડ્યૂલમ રાઈડ તૂટી પડતાં ત્રણ જણનાં કરૂણ મોત નિપજ્યા છે અને બીજાં 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આજે ગૌરીવ્રત, જયા પાર્વતી નિમિત્તે તેમજ રવિવારની રજા હોવાથી મહિલાઓ અને બાળકીઓ બાલવાટિકા ખાતે રાઈડ્સનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં આવ્યાં હતાં. 4 નંબરના પ્રવેશદ્વાર પાસે પેન્ડ્યૂલમ સ્વિંગ (ઝૂલા)નો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. સમી સાંજે રાઈડ ચાલુ હતી ત્યારે અધવચ્ચે જ એનો એક ભાગ અચાનક 60 ફૂટ ઊંચેથી જમીન પર પછડાયો હતો. ઝૂલાની ક્ષમતા 32 જણની છે અને એમાં તે વખતે એટલા જ જણને બેસાડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાબડતોબ નજીકની એલ.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અગ્નિશામક દળના જણાવ્યા મુજબ ઝૂલાના જોઈન્ટના ભાગમાં વેલ્ડિંગ કે બોલ્ટ તૂટી જતાં તે ભાગ જમીન પર પટકાયો હતો.
દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં ઘાયલોને યોગ્ય તથા ઝડપી સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવા પહોંચી ગયા હતા.
કાંકરિયાનાન બાલવાટિકામાં અકસ્માતની ઘટનાને કારણે તમામ રાઈડ્સ બંધ કરાવી દેવામાં આવી છે અને તે માર્ગ પર ભરાતો મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે.
ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ જમા થઈ હતી. ભીડને કાબૂમાં રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિશે પોલીસ તથા એફએસએલની ટૂકડી તપાસ કરી રહી છે.
અમદાવાદના મહિલા મેયર બીજલ પટેલે કહ્યું કે આ ગંભીર ઘટના બની છે. અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો છે. તેની પર વિરોધ પક્ષોએ રાજકારણ રમવું ન જોઈએ. જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે.