ગુજરાતના ડિંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોના અમેરિકા-કેનેડા સરહદે થયેલા દુ:ખદ મોતના કેસમાં મોટો ચુકાદો આવ્યો છે. અમેરિકાની મિનેસોટા ફેડરલ કોર્ટે માનવ તસ્કરીના મુખ્ય આરોપી હર્ષકુમાર રમણલાલ પટેલને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઘટનામાં -36 ડિગ્રીના હાડ થીજવતા તાપમાને પટેલ પરિવાર બરફીલા તોફાનમાં થીજીને મૃત્યુ પામ્યો હતો. આ કેસે માનવ તસ્કરીના જોખમો અને ગેરકાયદે સ્થળાંતરના ભયાનક પરિણામોને ઉજાગર કર્યા છે.
18 જાન્યુઆરી, 2022ની રાત્રે, હર્ષ પટેલ અને તેના સહ-આરોપી સ્ટીવ એન્થોની શેન્ડે 11 ભારતીયોને ગેરકાયદે કેનેડાથી અમેરિકા લઈ જવાનો પ્રયાસ કર્યો. હવામાન વિભાગે -36 ડિગ્રી તાપમાન અને બરફીલા પવનની ચેતવણી આપી હતી, છતાં આ ગેંગે લોકોને સરહદ પાર કરાવ્યા. 19 જાન્યુઆરીએ યુએસ બોર્ડર પેટ્રોલે શેન્ડની વાન બરફમાં ફસાયેલી જોવા મળી, જેમાં બે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા. ખેતરોમાંથી વધુ પાંચ લોકો બહાર આવ્યા, જેમાંથી એકને ગંભીર હાઈપોથર્મિયા હતો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે તે જ દિવસે સરહદે ચાર મૃતદેહ શોધ્યા—જગદીશ પટેલ (39), વૈશાલીબેન, તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી અને 3 વર્ષનો પુત્ર ધાર્મિક. હર્ષ પટેલ અને શેન્ડને દોષી ઠેરવીને અનુક્રમે 10 વર્ષ અને 6.5 વર્ષની સજા ફટકારવામાં આવી.
તપાસમાં ખુલાસો થયો કે હર્ષ પટેલ, જે ‘ડર્ટી હેરી’ તરીકે ઓળખાતો હતો, નકલી સ્ટુડન્ટ વિઝા દ્વારા ભારતીયોને કેનેડા લાવતો અને ગેરકાયદે અમેરિકા પ્રવેશ કરાવતો. આ માટે એક વ્યક્તિ પાસેથી લગભગ 1 લાખ ડોલર વસૂલાતા. શેન્ડ સરહદ પર લોકોને ઉપાડી શિકાગો લઈ જતો. કોર્ટમાં જણાવાયું કે બંનેએ ઠંડીના જોખમને અવગણીને નફો પ્રાથમિકતા આપી. એક પીડિતાએ હાઈપોથર્મિયાથી હાથના આંશિક અંગછેદનો સામનો કર્યો. હર્ષ પટેલે અપરાધ સ્વીકાર્યો નથી અને અપીલની તૈયારી કરી રહ્યો છે, જ્યારે તેની સજા પૂર્ણ થયા બાદ ભારત ડિપોર્ટ થવાની સંભાવના છે.
