અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભારતમાં ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું ષડ્યંત્ર રચવા માટે 4 તાઇવાનીએ એપ ડેવલોપ કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓએ આ એપ એવી રીતે ડેવલોપ કરી હતી કે, સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે તુરંત જ એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા હતા. આરોપીઓએ આ ષડ્યંત્ર રચવા માટે ભારતમાં 4 વર્ષ રિસર્ચ કર્યું હતું. જે બાદ ડિજિટલ અરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓ રોજ 1.50 કરોડથી 2 કરોડ રૂપિયા પડાવતા હતા. આરોપીઓએ ડાર્ક રૂમથી લોકોને છેતરતા હતા. આરોપીઓ વિરુદ્ધ દેશભરમાં 450થી વધુ ગુના નોંધાયેલા છે.
સાયબર ક્રાઇમે આ ઠગાઇના મુખ્ય સૂત્રધાર એવા 4 તાઇવાનના નાગરિક, 7 ગુજરાતી સહિત 17 આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમની ટીમે આ ઠગાઈ કેસમાં ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટના હોલ્ડર પહેલો ભાવેશ સુથારની ધરપકડ કરીને પૂછપરછ કરતા વડોદરાનું નેટવર્ક ખુલ્યું છે. જે બાદ 2 આરોપીની ધરપકડ કરી પૂછતા તેઓ બેંક એકાઉન્ટ અન્ય લોકોનાં ભાડે લઈને તેમને કમિશન આપતા હતા. પ્રવિણ પંચાલની ધરપકડ કરતા નવી દિલ્હીના સેફ હૈદર ઉર્ફે સેમ સિદ્દીકીનું નામ ખૂલ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં રેડ કરી તપાસ કરતા તાઇવાન નાગરિકો દ્વારા ઠગાઈનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો હતો. જે બાદ સાયબર ક્રાઇમે વડોદરા, દિલ્હી, મુંબઈ અને બેંગલોરમાંથી ચાર ડાર્કરૂમ ઝડપ્યાં છે. જે સિસ્ટમ ડેવલોપ કરનાર મુખ્ય આરોપી તાઇવાનનો મુચી સંગ ઉર્ફે માર્ક હોવાનું ખુલ્યું છે, જેની દિલ્હીની તાજ હોટલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1275000 મળ્યા છે. આ ઉપરાંત 761 સીમકાર્ડ, 120 મોબાઈલ ફોન, 96 ચેકબૂક, 92 ડેબિટ/ક્રેડિટકાર્ડ, 48 ચેક, 42 પાસબૂક, 32 USB ચાર્જિંગ હબ, 6 હિસાબના ચોપડા, 2 CPU, 26 મિનિ કોમ્પ્યુટર, 9 રાઉટર, 1 મોબાઈલ સ્વાઇપ મશીન અને 7 લેપટોપ ઝપ્ત કર્યા છે.
આરોપીઓ માસૂમ લોકોને અધિકારીની ઓળખ બતાવી કોલ કરતા હતા. ફિરીયાદીઓના એકાઉન્ટ ગેરકાયદે પ્રવૃતીમાં સંડોવાયેલા હોવાની વાત કરતા હતા. જે બાદ વેરિફિકશનના નામે અમુક ફિની માગણી કરતા હતા. આ આરોપીઓ અલગ-અલગ યુનિટમાં કામ કરતા હતા. એક યુનિટ સીમકાર્ડનું કામ કરે છે, એક યુનિટ બેન્ક એકાઉન્ટ માટે કામ કરે છે, એક ટેક્નિકલ કરે છે અને એક એવા એક્સપર્ટ હોય છે કે, જે ડેટાબેઝ એકત્રિત કરતા હોય છે. ઘણા બધા ડેટા ગૂગલ કે પબ્લિક ડોમેઈન પર મળી રહે છે. એમાં આ લોકો જોઈ લે છે કે, કેટલા લોકો પૈસાવાળા છે ને એકલા રહે છે. આ બધી માહિતી લઈને ત્યારબાદ તેને ટાર્ગેટ કરતા હોય છે.
અમદાવાદના એક સિનિયર સિટીઝનને આ ગેંગે CBIના નામે ડરાવી ધમકાવીને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા 80 લાખ પડાવ્યા હતા. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસીસ કરીને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, લીંબડી તથા મુંબઈ, ઓડિશા, દિલ્હી, બેંગલોર, ડુંગરપુર સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું છે.