ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં 19 થી 25 નવેમ્બર દરમિયાન “વર્લ્ડ હેરિટેજ સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી “Discover and Experience Diversity” થીમ પર થઈ રહી છે. ગુજરાતના કેટલાક મહત્વના હેરિટેજ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ધોળાવીરાને યુનેસ્કોએ વર્ષ-2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કર્યું. ભારત સરકારના સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ ધોળાવીરાના વિકાસના કામો માટે 135 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. જેમાં ધોળાવીરામાં કચ્છની સંસ્કૃતિ, કલા અને ઈતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે.
ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત દેશના કુલ 50 સ્થળોની પસંદગી પામી છે. જેમાંથી ગુજરાતના બે સ્થળો ધોળાવીરા અને દ્વારકાને સ્થાન મળ્યું છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને જળ વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન નગર ધોળાવીરા ખાતે સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ કલ્ચર વિલેજ, એમ્ફિથિયેટર, ટેન્ટ સિટી, ટુરિસ્ટ પ્લાઝા સહિતના કામ કરવામાં આવશે. સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સ ટુરિસ્ટ સ્થળ તરીકે ધોળાવીરાને વિકસાવવામાં આવશે. જેમાં તેની કામગીરી મહત્વના બે ભાગમાં કરવામાં આવશે. જેમાં આશરે 135 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ટ સિટી, એમ્ફિથિયેટર, કલ્ચર વિલેજ, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના કામો કરાશે. આ સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી કચ્છની કલા, સંસ્કૃતિ અને ઈતિહાસને દર્શાવાશે. તેમજ કમ્યુનિટી હોલ પણ બનાવાશે.
કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં ધોળાવીરા આવેલું છે. જ્યાંની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. એ સમયે આશરે 50 હજાર જેટલા લોકો રહેતા હોવાનું માનવામાં આવે છે. સ્થાનિકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ ધોળાવીર ગામની નજીક આવેલું હોવાથી તેનું નામ ધોળાવીરા પડ્યું. ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન સિંધુ સભ્યતાનું એક સાઈન બોર્ડ પણ મળી આવ્યું હતું, જેને આજદિન સુધી ઉકેલી શકાયું નથી.