અમદાવાદઃ સરકાર ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા જઇ રહી છે. દરેક પ્રકારના વાહનો અને કોઇપણ વાહન ચાલક આરટીઓ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવા પરિપત્રો અને જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
સરકારનું કહેવું છે કે દંડની રકમ ઉઘરાવવા નહીં પરંતુ લોકોના જીવ બચે તેમજ ટ્રાફિકના નિયમ, પ્રદુષણ મુક્ત વાહનો માર્ગો પર ફરતા રહે એ હેતુ થી કાયદા કડક કરવામાં આવી રહ્યા છે. મોટર વ્હીકલ અધિનિયમન , 2019 ના અમલીકરણ તા.16, સપ્ટેમ્બર 2019 થી ગુજરાત સરકારે નક્કી કર્યું છે. પરંતુ શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા માટે સહાનુભૂતિ પૂર્વક વલણ રાખી પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટ લગાડવા માટેની તારીખ લંબાવવાનું નક્કી કર્યું છે.
વાહનો ને પ્રદુષણ મુક્ત કરવા માટે કરાવાતા પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે ના સ્થળો પર લાંબી કતારો લાગી છે. સરકારે મુદત લંબવાવવાનું નક્કી કર્યા પછી પણ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ શહેરના પીયુસી કરતાં સેન્ટરો પર વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પીયુસી માટે લાંબી કતારો જોઇ સોશિયલ મીડિયામાં મજાક થઇ રહી છે કે 30 રુપિયામાં પીયુસી સર્ટિફિકેટ મેળવ્યા બાદ શું વાહન પ્રદુષણની જગ્યા ઓક્સિજન છોડતું થઇ જશે…?
(પ્રજ્ઞેશ વ્યાસ)