ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ દિવસે ને દિવસે માથુ ઉંચકી રહ્યો છે. રોજ નવા નવા કેસો સામે આવી રહ્યા છે અને સરકારની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસના નવા 54 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 432 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં આજે કુલ 31 જેટલા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 228 પર પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ અંગે વિગતો આપી હતી. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવાં 54 જેટલા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. આજે એક વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યાર આજે કોઈ જ મોત નોંધાયું નથી.
કુલ 432 દર્દીઓમાંથી હાલ ત્રણ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે કુલ 34 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઉપરાંત હાલ 376 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે.
અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 8332 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 432 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 7617 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત 282 સેમ્પલનો રિપોર્ટ બાકી છે.
અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના કુલ 228 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 15, આતંરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 27 અને લોકલ ટ્રાન્સમિશનના 186 કેસનો સમાવેશ થાય છે. કોરોનાના કારણે અમદાવાદમાં કુલ સાત લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો સાજા થયા છે.