IKDRC કિડની હોસ્પિટલમાં 297 ભરતીનો વિવાદ, કેગ રિપોર્ટે ગોટાળાનો કર્યો પર્દાફાશ

અમદાવાદના સિવિલ સંકુલમાં આવેલી IKDRC કિડની હોસ્પિટલમાં વર્ષ 2004 થી 2023 દરમિયાન થયેલી 297 લોકોની ભરતીમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કર્યો છે. કેગ (Comptroller and Auditor General – CAG) અને આરટીઆઈ (RTI) અહેવાલના આધારે આ તમામ ભરતી કોઈપણ જાહેરાત આપ્યા વગર જ કિડની હોસ્પિટલે કરી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. હોસ્પિટલના 58 ડોકટર અને અધ્યાપકો પૈકીના 34ને પણ બારોબાર નોકરી આપી દેવાયા હોવાની વિગતો કેગ અહેવાલમાં ઉજાગર થઈ છે.

કોઈ જાહેરાત કે પરીક્ષા વિના 192 ભરતી?
કિડની હોસ્પિટલમાં 2012 થી 2023 દરમિયાન 192 વ્યક્તિઓને સીધી ભરતી આપવામાં આવી હોવાનું આરોપ છે. વર્ગ-1 માં 19, વર્ગ-2 માં 20, વર્ગ-3 માં 146 અને વર્ગ-4 માં 7 લોકોને કોઈ સ્પર્ધાત્મક પ્રક્રિયા વિના જ નોકરી આપવામાં આવી. ડૉકટરો, શિક્ષકો અને શિક્ષણ અધિકારીઓ માટે 58માંથી 34 ભરતી જાહેરાત વગર કરવામાં આવી હોવાનું પણ આ રિપોર્ટમાં જણાવાયું.

20 વર્ષમાં MBBS પૂર્ણ કરનારને 24 કલાકમાં RMO બનાવાયો
વધુમાં કોંગ્રેસે કેગના અહેવાલનો હવાલો આપતા જણાવ્યું હતું કે, કોઈ નિવૃત અધિકારીને નોકરી પર રાખવાના હોય ત્યારે સરકારની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. તેના બદલે હોસ્પિટલમાં 12 અધિકારીઓને કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર જ નોકરી પર રાખી દેવાયા હોવાનો આક્ષેપ કરાયો છે. 1978માં એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવે છે. 1993માં તેને ફરજીયાત RMO કરવામાં આવે છે. 2002 થી 2003 રજા લઈને તેણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. 20 વર્ષ સુધી વીરેન ત્રિવેદી એમબીબીએસનો અભ્યાસ જ કર્યા કરે છે. 24 કલાકમાં જ વીરેન ત્રિવેદીને RMO બનાવી દેવામાં આવ્યા હતા.પ્રોફેસર ના હોવા છતાં 9 લાખ રૂપિયા રિસર્ચના નામે આપવામાં આવ્યા હતા.

CAG-RTI રિપોર્ટના મુખ્ય આક્ષેપ:

  • અયોગ્ય બઢતી: ડિરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, વૈભવ સુતરીયા, રાજકીરણ શાહ, દિવેશ એન્જિનિયર અને ઉમંગ ઠક્કરને નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમો વિરુદ્ધ બઢતી આપવામાં આવી.
  • અપાત્ર વ્યક્તિઓની નિમણૂક: ઉમંગ ઠક્કર પાસે અનુસ્નાતક ડિગ્રી ન હોવા છતાં એસોસિયેટ પ્રોફેસર તરીકે નિયુક્તિ.
  • અયોગ્ય પગાર: 12 પાસ યઝદી વાડિયાને સિસ્ટમ મેનેજર બનાવવામાં આવ્યા અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પે-સ્કેલ પ્રમાણે પગાર ચૂકવાયો.
  • અનિયમિત ભથ્થાં: પુરાવા વિના રિસર્ચ એકેડેમિક એલાઉન્સ તરીકે 12.91 કરોડ રૂપિયાનો ખોટો વહીવટ.