ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ

અમદાવાદ:  જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે, ઈમરાન ખેડાવાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત ઇમરાન ખેડવાલએ રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા અને મુખ્ય સચિવ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા.

મહત્વનું છે કે, ખેડાવાલાને કોરોના થતા હવે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર સેલ્ફ આઈસોલેશનમાં જશે કે કેમ એ અંગે ચર્ચા શરુ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને પગલે અમદાવાદના કોટ વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરાયો છે. ત્યારે અમદાવાદના 3 વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક યોજી હતી. બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી. જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોના કેસને પગલે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા.