અમદાવાદ- ગુજરાતમાં કોંગો ફીવરે માથુ ઊંચક્યું છે. રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે, તેમ છતાં કોંગો ફીવરથી રાજયમાં કુલ 3ના મોત થયા છે, અને 5 દર્દીઓ સારવાર હેઠળ છે. સુરેન્દ્રનગર પાસેના લીંબડીના જામડીમાં બે મહિલાનું કોંગો ફીવરથી મોત થયા બાદ આજે ભાવનગરની મહિલાનું સર ટી હોસ્પિટલમાં કોંગો ફીવરથી મોત થયું છે. અમદાવાદના રાયખડના યુવાન સહિત બે ડૉકટર, બે પેરા મેડિકલ સ્ટાફ સારવાર હેઠળ છે.
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ફીવરમાં દાખલ થયેલ 8 દર્દીઓના લોહીના નમુના પુણેની લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા છે. જેમાંથી એક તબીબનો રીપોર્ટ નોર્મલ આવ્યો છે, અને એક ડૉકટર અને બે નર્સનો બ્લડ રીપોર્ટ બુધવારે સાંજે આવે તેવી શકયતા છે, અને તેમને અન્ડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.
ભાવનગરના કમળેજ ગામની 25 વર્ષની મહિલા અમુબહેનને તાવ આવ્યો હતો, 22 ઓગસ્ટે તેને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, અને અહી તેના લોહીના નમુના લઈને તેને પુનાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પણ મહિલાને વધુ સારવાર મળે તે પહેલા જ રાત્રે બે વાગ્યે મોત થયું હતું. જેથી ફરજ પર હાજર રહેલા ડૉકટરે શંકાસ્પદ કોંગો ફીવરને કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ ગઈકાલે પુનાથી જે રીપોર્ટ આવ્યો તેમાં સત્તાવાર રીતે જાહેર થયું હતું કે મહિલાનું મોત કોંગો ફીવરને કારણે જ થયું હતું.
ગુજરાતમાં કોંગો ફીવરના ભય હેઠળ સરકારી તંત્ર એલર્ટ થયું છે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. સરકારે કોંગો ફીવરના વાયરસ ફેલાવતા ઈતરડીનો નાથ કરવા માટે પશુપાલન વિભાગને જરૂરી સુચના આપી છે. અને પશુપાલન વિભાગે તકેદારીના ભાગરૂપે સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં ઈતરડીનો નાશ કરવા દવાનો છંટકાવ શરૂ કરી દીધો છે. પશુપાલન વિભાગે અલગઅલગ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી છે, તેમજ પશુપાલકોને માર્ગદર્શન અપાઈ રહ્યું છે.