અમદાવાદ: ગુજરાતમાંથી ધીમે પગલે શિયાળાની વિદાય શરૂ થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિંવત્ છે. આ સાથે અમદાવાદમાં શનિવારે રાત્રિના 19.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ 24 કલાકમાં જ અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 18થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આવનારા પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્પષ્ટ રહેશે. આ સાથે આજે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની આગાહી છે. નોંધનીય છે કે, હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે. બપોરના સમયે સૂકું હવામાન જોવા મળે છે. રવિવારે દિવસ દરમિયાન 34 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોને મતે આગામી સપ્તાહથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. ગત રાત્રિના અન્યત્ર વડોદરામાં લઘુતમ 18.2-મહત્તમ 33.6 ડિગ્રી, ભાવનગરમાં લઘુતમ 20.1-મહત્તમ 35.8, ભુજમાં લઘુતમ 18.8-મહત્તમ 35, ગાંધીનગરમાં લઘુતમ 18.5-મહત્તમ 35.5, રાજકોટમાં 18.6-મહત્તમ 33.7, સુરતમાં લધુતમ 18.1-મહત્તમ 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
