ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકાર, નલિયામાં પારો 8.8 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ: કમોસમી વરસાદની આશંકા વચ્ચે ગુજરાતમાં ફરી એક વખત ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે અને રાત્રી સમયના ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો બપોરે ઉનાળા જેવી ગરમી જોવા મળી રહી છે. આ વચ્ચે નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકાર જોવા મળી રહ્યો છે. ત્યારે નલિયામાં 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી, અમદાવાદમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી, અમરેલીમાં 14.5 ડિગ્રી, પાલનપુરમાં 15.2 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.3 ડિગ્રી, ભાવનગરમાં 17.2 ડિગ્રી,  પોરબંદરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં 2જી અને 3જી ફેબ્રુઆરીના કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડતા કમોસમી વરસાદનું સંકટ ટળ્યું છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સુધી ગગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.