મુંબઈમાં ‘શાસનરત્ન’ એવોર્ડથી સન્માનિત થયા ગુજરાતના સીએમ રુપાણી

મુંબઈ- મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીનું શ્રીમદ રાજચન્દ્ર મિશન ધરમપુર દ્વારા પર્યુષણ મહાપર્વ અવસરે મુંબઇમાં શાસનરત્ન એવોર્ડથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમદ રાજચન્દ્ર મિશન ધરમપુરના સંસ્થાપક આધ્યાત્મિક ગુરુદેવ રાકેશભાઇએ મુખ્યપ્રધાનને આ શાસનરત્ન એવોર્ડ અર્પણ કર્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયેલ તથા અંજલિબહેન રૂપાણી સહિત હજારો મુમુક્ષુઓ મુંબઇમાં વરલી ખાતે આયોજિત આ સમારોહમાં ઉપસ્થિત હતાં.

વિજય રૂપાણીએ શ્રીમદ રાજચન્દ્ર મિશન દ્વારા ધરમપુરમાં નિર્માણ થયેલા એનિમલ નર્સીગ હોમનું વર્ચ્યુઅલ લોકાર્પણ આ વેળાએ કર્યુ હતું. આ ઉપરાંત ગુરૂદેવ રાકેશભાઇના પુસ્તક ‘ભગવાન મહાવીરના મંગલમય સિધ્ધાંતો’ના હિન્દી-ગુજરાતી-અંગ્રેજી સંસ્કરણ અને સી.ડી.ના વિમોચન પણ કર્યા હતાં.

 

મુખ્યપ્રધાને આ શાસનરત્ન એવોર્ડ સ્વીકારતાં કહ્યું કે, ‘‘અહિંસા પરમોધર્મ’’ની ભાવના સાથે રામરાજ્યનું નિમાર્ણ થઇ રહ્યું છે, ત્‍યારે શ્રદ્ધા સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. શ્રીમદ રાજચંદ્ર પુ. મહાત્‍મા ગાંધીજીના આધ્‍યાત્‍મિક ગુરૂ હતાં. અહિંસાની કલ્‍પના શ્રીમદ રાજચંદ્રના બોધમાં રહેલી છે. મહાત્‍મા ગાંધીજીએ અહિંસાના સિધ્‍ધાંતને જીવનમંત્ર બનાવ્‍યો હતો તેના મૂળમાં શ્રીમદ રાજચન્દ્રજીનો પ્રભાવ રહેલો છે.

 

સુક્ષ્મ જીવો માટે કરૂણાએ આપણા સંસ્‍કાર અને સ્‍વભાવ છે.  ભગવાન મહાવીરે પ્રબોધેલા ‘‘અહિંસા પરમોધર્મ’’ના સિદ્ધાંતને દુનિયાએ સ્‍વીકાર કરેલો છે. અહિંસા, તપ, સંયમ અને અને કાંતના સિધ્‍ધાંતનો વિશ્વમાં પ્રકાશ ફેલાવનાર ભગવાન મહાવીરની ત્‍યાગની ભાવનાને ઉજાગર કરવાનો આ પર્યુષણ પર્વ એક અવસર છે. અબોલ પશુઓના જીવને અભયદાન મળે એ પ્રકારેની વ્‍યવસ્‍થા રાજય સરકારે કરી છે. દરેક જિલ્લામાં  કરૂણા એમ્‍બ્યુલન્‍સની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે. રાજય સરકારે દરેક જીવોની ચિંતા કરીને કરૂણા અભિયાન શરૂ કર્યું છે. ગુરૂદેવો સંતો-મહંતોના આર્શીવાદથી સુદઢ શાસન વ્‍યવસ્‍થાનું નિર્માણ થયું હોવાનું પણ  વિશ્વાસપુવર્ક જણાવ્‍યું હતું.

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ વ્યકત કરતાં કહ્યું કે ‘શ્રીમદ્ રાજચન્દ્ર એનિમલ નર્સિંગ હોમ’નો શુભારંભ એ એક અનન્ય અને અદ્દભુત કાર્ય છે. પૂજ્ય ગુરૂદેવશ્રીના આશીર્વાદથી પ્રાણીઓ માટે આ મિશન જે કાર્ય કરી રહ્યું છે તે સરાહનીય છે અને સમાજ હંમેશાં તે માટે તેમનું ઋણી રહેશે. જીવદયાના સંસ્કારને સમાજમાં ઊજાગર કરવાનું આ કાર્ય સૌને પ્રેરણા આપનારૂં બનશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે શ્રીમદ્ રાજચન્દ્રજીની પ્રેરણા અને પૂજ્ય ગુરૂદેવશ્રીના માર્ગદર્શનથી વિશ્વભરમાં અનેક સેવાપ્રવૃત્તિઓ કાર્યરત છે અને તેમાંના મહત્તમ અભિયાનો દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યા છે. પ્રાણીઓને કતલખાને જતાં બચાવવા, આશ્રય આપવો, પુનર્વસવાટ કરાવવો, આંતરિયાળ વિસ્તારોમાં કે અકસ્માતના સ્થળે જઇ તબીબી સારવાર આપવી, નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવા જેવી અનેક પ્રાણીસેવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આમ છતાં, દક્ષિણ ગુજરાતમાં પુશપંખીઓની તબીબી સારવાર માટે એવા ચિકિત્સાલયની જરુર વર્તાણી કે જ્યાં કોઇ પણ સમયે તેઓની સારવાર, શસ્ત્રક્રિયા વગેરે થઇ શકે. આથી ‘શ્રીમદ્ રાજચન્દ્ર એનિમલ નર્સિંગ હોમ’ની પરિકલ્પનાએ આકાર લીધો છે.