ભારે વિરોધ વચ્ચે હરિયાણા સીએમે કર્યું ખાતમુહૂર્ત, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ભવન બનશે…

નર્મદા– કેવડીયા કોલોનીમાં બનાવાયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે એકતરફ ખ્યાતિ છે તો બીજીતરફ વિરોધ પણ છે. કેવડીયાના સ્થાનિકો માટે અમુક પ્રશ્નોને લઈને આ મૂર્તિના નિર્માણની જાહેરાત થઈ ત્યારથી લઈ આજ સુધી તેમના હિતોને નુકસાન થતું હોવાની રજૂઆત સાથે સમયાંતરે વિરોધ દર્શાવાતો રહ્યો છે. પીએમ મોદીએ કરેલી અહીં દેશના 33 રાજ્યોના ભવનોના નિર્માણની જાહેરાતને પગલે ભવનોના નિર્માણકાર્ય માટેના ચક્ર ગતિમાન થઈ રહ્યાં છે ત્યારે ગ્રામજનો આ કાર્યમાં તેમની જમીન આપવાનો વિરોધ કરી રહ્યાં છે.દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતાં દેશવાસીઓને ઊતારો મળે તે માટે ભવન નિર્માણની યોજના હાથ ધરવામાં આવી છે જેને પગલે આજે મુલાકાતે આવેલા હરિયાણાના મુખ્યપ્રધાનનો વિરોધ કરવામાં આવ્યો હતો.જોકે જે જગ્યાએ કેવડિયા ગામની જમીન પર હરિયાણા ભવન બનવાનું છે ત્યાં હરિયાણાના મુખ્યપ્રધાન ખટ્ટરે આ ભવન બનાવવા ખાતમહૂર્ત ભારે વિરોધ વચ્ચે કરી નાખ્યું હતું. આ જગ્યાએ 6 ગામના આદિવાસીઓએ ભારે વિરોધ કર્યો અને આ ખાતમુહૂર્ત અટકાવવા માટે સ્થળ પર જતાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. આજે મોટી સંખ્યામાં આદિવાસીઓએ એકઠા થઇ પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

સામે કાર્યવાહી કરતાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરતા ટોળામાં નાસભાગ થઈ હતી અને રોડ પર ધસી આવી ગ્રામજનો પ્રવાસીઓને રોકવા લાગ્યાં હતાં. પોલીસ દ્વારા ટોળાંને વિખેરી 140 જેટલા ગ્રામજનોને ડિટેન કરી લેવાયાં હતાં અને કાયદેસર કાર્યવાહી કરી હતી.