બાવળા તાલુકામાં દૂરદર્શન સાથે ઓનલાઇન શિક્ષણ મેળવતાં બાળકો

અમદાવાદઃ વૈશ્વિક રોગચાળા કોરોનાને કારણે રાજ્યમાં શાળાઓ બંધ છે ત્યારે ‘’શાળા બંધ છે પણ શિક્ષણ નહિ’’ એ ઉક્તિને માત્ર શહેરી કક્ષાએ જ નહિ, પરંતુ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ સાર્થક કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઘરઆંગણે શિક્ષણ મળી રહે તે માટે ઇ-લર્નિગની વ્યવસ્થાના સુચારુ ભાગરૂપે દૂરદર્શન પર અને સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભ લઇ રહ્યા છે.

બાળકોના શિક્ષણ પર કોઈ અસર ના થાય તે હેતુથી વિષય નિષ્ણાત તજ્જ્ઞો દ્વારા દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

શહેરી અને ગામડાંની તમામ શાળાઓ સુંદર કામગીરી

અમદાવાદ જિલ્લાની શહેરી અને ગામડાંની તમામ શાળાઓ સુંદર કામગીરી નિભાવી રહી છે. સરકારના આદેશ અનુસાર દૂરદર્શન ડીડી ગિરનાર ચેનલ દ્વારા શિક્ષણ આપવું અને શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ નીતિનું પાલન કરીને બાવળા તાલુકાના સેવા-વિસ્તરણ કાવિઠા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જઈને વાલી મુલાકાત લઈ બાળકને તેના અભ્યાસ મુજબના શિક્ષણને અનુરૂપ માર્ગદર્શન આપે છે.

મોબાઇલના માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસનો આરંભ

કાવિઠાની શાળાએ મોબાઇલના માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસનો આરંભ કરી રચનાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષક ગિરીશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં હવે ડિજિટલ શિક્ષણના માધ્યમથી બાળકોને ભણાવવાની જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે અમારી શાળાના તમામ શિક્ષકો પણ આ માટે અપડેટ છે.

શિક્ષણ માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં બાળકોના વાલીનું દરેક ધોરણ પ્રમાણેનું સોશિયલ મિડિયા ગ્રુપ બનાવીને તેમાં વિદ્યાર્થીઓને ‘micorsoft teams’ એપ્લિકેશન દ્વારા વિષય અનુરૂપ ઓનલાઇન શિક્ષણ શિક્ષકો આપે છે.

ધોરણ ૧થી ૮નાં બાળકો આ એપ્લિકેશન થકી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં શાળાના સમયે રોજ સવારે 8:30થી 9:00 કલાક ધોરણ છ અને  9:00 થી 9;30 કલાક ધોરણ 7 તથા 9:30થી 10:00 કલાક  સુધી ધોરણ આઠના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે.

કેટલીક રચનાત્મક પ્રવૃત્તિ

બાળકોને વાચન લેખનની સાથે- સાથે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા પણ અભ્યાસ કરાવવામાં આવે છે. બાળકોને કેવી રીતે, કયું શિક્ષણ કાર્ય કરવું તેને મેસેજ આપીને સમજાવવામાં આવે છે. એ ઉપરાંત જે વાલી સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં નથી તેવા વિદ્યાર્થીઓના વાલીને સાદા ફોનથી પણ સંપર્ક કરીને બાળકના અભ્યાસની વિગતોથી વાકેફ કરવામાં આવે છે.