ચંદ્રયાન -3ની સફળતાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી

ગાંધીનગર: 23 ઑગસ્ટ, 2023 એ ભારત માટે એક ઐતિહાસિક દિવસ તરીકે નોંધાયો. ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતર્યા પછી, ભારત દુનિયામાં ચંદ્ર પર પગ મુકનાર ચોથી દેશ બન્યો. આ ઐતિહાસિક સિદ્ધિની યાદમાં, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે જાહેર કર્યો હતો. “Touching Lives While Touching the Moon: India’s Space Saga” થીમ પર આધારિત આ ઉજવણીનો હેતુ દેશની અવકાશની ઉપલબ્ધિઓને ઉજાગર કરવાનું અને યુવાધનને તેના વિકાસમાં યોગદાન અને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ 22-23 ઑગસ્ટ, 2024ના રોજ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં યોજાશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા SAC-ISRO અમદાવાદના સહયોગ સાથે 10 ઑગસ્ટ, 2024ના રોજ જીબાબેન પટેલ (કનિસા) મેમોરિયલ ઓડિટોરીયમ, IITGN ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના વિખ્યાત વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની ઉપસ્થિતિ રહી, જેમ કે SAC ISROના વૈજ્ઞાનિક-SG પ્રદીપ સોની, પુણેના IUCAA પ્રોફેસર ગુલાબ દ્વાનગન, અમદાવાદ PRLના એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ ડિવિઝનના  પ્રોફેસર શશિકિરણ ગણેશ, પુણે STO-F R&D IUCAAના ડૉ. સુરેશ દોરાવરી અને અમદાવાદ SAC-ISROના IN-SPACe પ્રોગ્રામ મેનેજમેન્ટ અને ઓથોરાઇઝેશનના ડેપ્યુટી ડિરેક્ટર પ્રણવ સિંહ આ તમામ વિદ્વાનો દ્વારા અવકાશ વિજ્ઞાનના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે પ્રેરણાત્મક પ્રવચનો આપવામાં આવ્યા.

તેમના ઉદ્ઘાટન સંબોધનમાં, સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC/ISRO)ના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈ દ્વારા ચંદ્રયાન- 3 ના સફળ અવતરણમાં SACના યોગદાન અને મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું “લોકો ISRO વિશે જાણે છે, પરંતુ બહુ ઓછા લોકોને SAC વિશે માહિતી છે. SAC એ ISRO ની એક વિશિષ્ટ પહેલ છે, જે વિવિધ ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે”.  ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ અવકાશ પહેલનો સંક્ષિપ્ત ઇતિહાસ લખતા, તેમણે અવકાશ વિજ્ઞાનને સામાન્ય લોકો માટે સુલભ બનાવવા માટે આજના કાર્યક્રમના મહત્વને રેખાંકિત કર્યું.

ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણમાં SAC ના યોગદાન વિશે વાત કરતા, શ્રી પ્રદીપ સોનીએ ટિપ્પણી કરી કે “SAC એ ઉતરાણ પ્રક્રિયામાં અભિન્ન ભૂમિકા ભજવી હતી. ચંદ્રનો દક્ષિણી પ્રદેશ એકદમ અન્દોષિત રહ્યો છે. તે છતાં, અમે માત્ર લેન્ડિંગ સાઇટ જ નક્કી કરવા સાથે, ચંદ્રના સપાટીનું જીવંત પ્રસારણ પણ સમગ્ર દુનિયને બતાવ્યું હતું.” મિશનની ટેકનિકલ વાતોની ચર્ચા કરતાં, તેમણે ચંદ્રયાન – 4 વિશે પણ વાત કરી. એક મિશન જેનો હેતુ વધુ પરીક્ષણ અને સંશોધન માટે ચંદ્ર પરથી નમૂનાઓ લાવવાનો છે.

ગુલાબ દેવાંગન, શશિકિરણ ગણેશ અને સુરેશ દોરાવરીએ અવકાશ વિજ્ઞાનના વિવિધ પાસાઓ, જેમ કે મલ્ટી-વેવલેંગ્થ એસ્ટ્રોનોમી, ગ્રેવિટેશનલ વેવ્ઝ અને સ્પેસ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને ચર્ચા કરી. દરેક વ્યાખ્યાન પછી પ્રેક્ષકો સાથે એક ઇન્ટરેક્ટિવ સત્ર કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ અવકાશ અને ટેકનોલોજીને લગતા અનેક પ્રશ્નો પૂછ્યા હતા. પ્રણવ સિંહે આવા ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ કારકિર્દીના અવસરોથી પરિચય કરાવ્યો અને IN-SPACeની ભૂમિકા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમનો સમાપન IITGNના ફિઝિક્સ વિભાગના એસોસિયેટ પ્રોફેસર પ્રોફેસર આનંદ સેનગુપ્તા દ્વારા આભાર વિધિ સાથે કરવામાં આવ્યો, જેમણે આવા કાર્યક્રમોના આયોજન અને ભારતમાં અવકાશ સંશોધન અને અન્વેષણને આગળ વધારવામાં આંતર પેઢી જ્ઞાન વહેંચવાની મહત્વતાને ઊજાગર કરી.