અમદાવાદઃ શહેરના જગતપુર નજીક નવા જ વિકસિત એવા ગોદરેજ ગાર્ડન સિટીના જુદા-જુદા એપાર્ટમેન્ટના પરિવારોએ ભેગા મળી દિવાળીના તહેવાર નિમિત્તે સોસાયટી પ્રાંગણમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ઘટાદાર વૃક્ષો અને હરિયાળી માટે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર જાણીતો છે. જગતપુર અને એસ.જી. હાઇવે નજીક આવેલા આ વિસ્તારમાં અંદાજે 4500 જેટલા કુટુંબો વસવાટ કરે છે.
ગુજરાત રાજ્યમાં દેશના ખૂણે-ખૂણેથી આવીને વસતા લોકો ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર અને ઉત્સવો ભેગા મળી ઊજવવાનો પ્રયાસ કરે છે. કોરોનાના કપરા કાળમાં પણ સમાજના દરેક વર્ગ સુધી સંદેશ પહોંચે અને જાગૃતિ આવે એ રીતે ઉત્સવોમાં સકારાત્મક વિષયોને વણી લેવામાં આવે છે.
જીજીસીયુ, ગોદરેજ ગાર્ડન સિટીના નવીનભાઈ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે દિવાળીનો માહોલ ઓછો જણાતો હતો. લાંબા લોકડાઉનથી લોકો પરેશાન હતા. વિશાળ પરિસર ધરાવતા ગોદરેજ ગાર્ડન સિટીના રહીશોમાં એક દિવાળીના તહેવારમાં સકારાત્મક ઊર્જા આવે એ જરૂરી હતું. આ સાથે ઉત્સવનો ઉત્સાહ વધે અને એકતાની ભાવના વધુ પ્રબળ બને એ હેતુથી રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. કેમ્પસમાં સ્પર્ધા એટલા માટે કે આટલા મોટા સિટીમાં તહેવાર વખતે સ્વચ્છતાની સાથે સુંદરતા જળવાય. રચનાત્મક વિચારો આવે, સૌ પોતાના પરિસરમાં રંગોળી પૂરે અને આંગણું સુંદર બનાવવા પ્રયાસ કરે.
રંગોળીમાં માસ્ક અને સેનિટાઇઝર દોર્યા
ઓર્ચાડ, બેલવેડેર અને તીવોલી જેવા ગોદરેજ ગાર્ડન સિટીના જુદા-જુદા ભાગોમાં 30 કરતાં વધારે જગ્યાએ લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રાંગણને રંગોળીની સાથે ફૂલો અને દીવડાંથી સજાવ્યું હતું. એપાર્ટમેન્ટના દરવાજા પર કલાત્મક છત્રી અને રંગબેરંગી પડદાની સાથે સુશોભન કરવામાં આવ્યું હતું.
ભારતના જુદા-જુદા પ્રાંતના લોકો વસવાટ કરતા હોવાથી રંગોળીમાં પણ વિવિધતા જોવા મળી હતી. આ વર્ષે કોરોનાથી બચવાના ઉપાયો અને મહામારીના સમયને વણી લેતી કેટલીક બાબતો રંગોળીમાં દર્શાવવામાં આવી હતી. રંગોળી ના રંગોમાં માસ્ક અને સેનિટાઇઝર દોરવામાં આવ્યાં હતાં.
(પ્રજ્ઞેશ વ્યાસ)