જૂનાગઢઃ જૈવીય પર્યાવરણમાં મોટો ભાગ ભજવતાં તૃણાહારી જીવો અલગ સ્થાન ધરાવે છે. જેને લઇને તેમના સંવર્ધન સંરક્ષણના મુદ્દે ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. ત્યારે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં દર વર્ષે શાકાહારી પ્રાણીઓની રોડ કાઉંટ વાહન પદ્ધતિથી વસતી ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે પણ વન્યપ્રાણી વિભાગ, સાસણ- ગીર દ્વારા તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી પહેલીવાર યોજાશે. આ ગણતરી માટે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉધાન, પાણિયા અભયારણ્ય અને મીતીયાળા અભયારણ્યમાં કુલ 20 રુટ અને ગણતરી માટેની 20 ટીમ બનાવવામાં આવી છે.
એક ટીમમાં પાંચ વ્યકિતઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વન વિભાગના અધીકારીઓ અને કર્મચારીઓ ગણતરીકાર તરીકે રહેશે. આ ગણતરી તા.૧૧/૫/૨૦૧૯ અને તા.૧૨/૫/૨૦૧૯ના રોજ આધુનિક સાધનો જેવાકે રેન્જ ફાઇન્ડર,જીપીએસ, અને કેમેરા દ્રારા કરવામાં આવશે.
આ વર્ષે ગીરની અનામત અને બીનઅનામત વીડીઓમાં અલગ અલગ રૂટ બનાવી ત્યાં વસતાં તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી ગણતરી પણ યોજાશે. જે તા.૧૪/૫/૨૦૧૯ અને તા. ૧૫/૫/૨૦૧૯ના રોજ યોજાશે.આ ઉપરાંત ગીરનાર વન્ય જીવ અભયારણ્યમાં પણ આ વર્ષથી પહેલી વખત આ પદ્ધતિ દ્રારા તા. ૧૮/૫/૨૦૧૯ના અને તા.૧૯/૫/૨૦૧૯ના રોજ તૃણભક્ષી પ્રાણીઓની વસતી ગણતરી કરવામાં આવશે.