અમદાવાદઃ ચંદ્રભૂમિ પર માનવ પગલાના પચાસ વરસ, ભારતના સ્પેસ મિશન્સ, સ્પેસને લગતી ફિલ્મો ને અંતરિક્ષ વિશે લોકોમાં વધતી કુતૂહલતા વગેરેને લીધે પાછલા સમયમાં ફિક્શન વાર્તાઓ, અંતરિક્ષને લગતાં પુસ્તકો વગેરેનું વાંચન વધી ગયું છે. આ તારણ લઈને અમદાવાદસ્થિત બ્રિટિશ લાયબ્રેરીએ એમના બાળ-વાચકોને અંતરિક્ષયાત્રા કરાવવાનું નક્કી કર્યું છે. 20 નવેમ્બરના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય બાળદિનના ઉપલક્ષ્યમાં ભારતભરની બ્રિટિશ લાયબ્રેરીઝમાં એક સ્પર્ધાનું આયોજન થયું છે.
વાત 20 નવેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય બાળદિન એટલે કે દિવાળી વેકેશન પછી બાળકો માટે શરૂ થનારી એક સ્પર્ધાની છે. સ્પર્ધાનું નામ છે રીડિંગ ચેલેન્જ.
બ્રિટિશ કાઉન્સિલ લાયબ્રેરી(અમદાવાદ)ના કાર્યકારી વડાં ગુંજન નરૂલા ચિત્રલેખાને કહે છેઃ ‘આ સ્પર્ધાનો હેતુ બાળકોમાં વાંચનરસ કેળવવા સાથે રચનાત્મકતા વધારવાનો છે. આયોજન એવું છે કે બાળકોએ છ સપ્તાહમાં ઓછામાં ઓછાં છ પુસ્તક વાંચવાના રહેશે. લાયબ્રેરીનાં નવાં 35 પુસ્તકોમાંથી એ પુસ્તકોની પસંદગી કરી શકશે. દરેક બાળકને એક માર્ગદર્શક વ્યક્તિ મળશે, જે પુસ્તક સમજવા સાથે એમના ટાસ્ક કરવામાં પણ માર્ગદર્શન આપશે. એ પછી બાળકે પુસ્તક પર રિ-વ્યૂ, પાત્રોનું વર્ણન અને પછી જાતે વાર્તા લખવાની રહેશે. લેખન પહેલાં બાળકો માટે વાર્તાલેખન/વાર્તાકથન/રિ-વ્યૂ વગેરે કઈ રીતે લખાય એની કાર્યશાળાનું આયોજન કરવામાં આવશે. ભાગ લેનાર દરેક બાળકને એમની આખી વાંચનયાત્રા-અંતરિક્ષયાત્રા મજેદાર બની રહે એ માટે કિટ પણ આપવામાં આવશે. અંતે, એક મોટા કાર્યક્રમમાં બાળકોને સર્ટિફિકેટ, એવોર્ડ્સ અને મેડલ્સથી નવાજવામાં આવશે.’
વેલ, આ આયોજન પાંચથી અગિયાર વરસનાં બાળકો માટે છે. સ્પર્ધામાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 23 નવેમ્બર છે. રજિસ્ટ્રેશનની અન્ય વિગતો માટે ક્લિક – https://www.britishcouncil.in/events
(સુનીલ મેવાડા)