બોટાદ- સરકારી શાળામાં એર કન્ડિશન સાંભળીને થોડી નવાઈ લાગે પણ આ વાત સાચી છે. ગઢડા તાલુકાના પડવદર ગામની આ સરકારી શાળાની વાત છે. હજુ થોડા સમય પહેલાં જે શાળામાં 100 ટકા હાજરી કલ્પી નહોતી શકાતી ત્યાં વિદ્યાર્થીઓ હોંશેહોંશે ભણવા આવે છે, કારણ કે આ શાળા પ્રાઇવેટ શાળાની જેમ AC ક્લાસરૂમ ધરાવે છે. હવે શાળામાં શિક્ષણ કાર્ય અને બાળકોની સુરક્ષા પર ચાંપતી નજર રાખવા માટે ગુરુપુર્ણિમાના અવસરે 10 CCTV કેમેરા પણ ઇનસ્ટોલ કરવામાં આવ્યાં છે, જેને બાળકો અચરજભરી આંખે નિહાળી રહ્યાં છે.
સરકારી શાળામાં પ્રાઇવેટ શાળા જેવી આ સુવિધા ગામના જ વતની અને સૂરતમાં રહેતા એક વ્યવસાયી બાબુભાઈ મોરડીયાના દાનના કારણે શક્ય બની છે. મોરડીયાએ શાળાના આચાર્ય કિરણ વાઘાણીના ટહેલ પર આ દાન આપ્યું છે.
શાળાના પ્રાંગણમાં એક આંગણવાડી પણ છે. આંગણવાડીના ભૂલકાંઓને પણ ACની હવાનો લાભ મળે છે જયારે CCTV કેમેરા તો તેમના માટે અચરજ સમાન છે. આ શાળા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.
શાળાના આચાર્યના જણાવ્યા મુજબ CCTV કેમેરા લાગતાં બંધ ક્લાસરૂમમાં થતાં શિક્ષણકાર્ય પર નજર રહેશે. રૂમમાં AC હોવાના કારણે તેના દરવાજા બંધ રાખવાની ફરજ પડે છે. વધુ આજના યુગમાં સુરક્ષાની દ્રષ્ટિએ પણ CCTV અગત્યના છે. AC અને CCTVનું દાન આપનારા દાતાના મતે દાન આપવાથી સંપત્તિ ઘટતી નથી પરંતુ તેમાં વધારો થાય છે.