પુત્રોની દાદાગીરી પર ભાજપના મંત્રીએ ધર્યું મૌન, રસ્તો બદલી કહ્યું ‘જય શ્રી રામ’

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના મંત્રીના પુત્રોની ધોળેદહાડે ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. અંગત અદાવતમાં એક યુવકને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું હતું, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. હવે ગાંધીનગરમાં ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારનું પુત્ર અને પૌત્રની મારામારી મામલે ભેદી મૌન જોવા મળ્યું. મીડિયાને જવાબ ન આપવો પડે તે માટે તેમણે પ્રવેશદ્વાર બદલી નાખો હતો. ઉલ્લેખનીય છે કે  મારામારીની ઘટનામાં હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઈ નથી. મંત્રી ભીખુસિંહ પરમાર મીડિયાથી બચવા મંત્રી MLA પ્રવેશદ્વાર પહોંચ્યા અને જય શ્રી રામ કહી રવાના થયા. અગાઉ મંત્રીના પૌત્રનું BZ કૌભાંડમાં નામ આવ્યું હતું.

મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની દાદાગીરી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘એક તરફ સરકાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો… ત્યારે આ કિસ્સામાં મંત્રીના પુત્રએ જ કાયદાનો ભંગ કર્યો છે. આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ નથી. આ મામલે તો ભાજપનો ખેસ પહેરો અને કાયદાનો ભંગ કરો એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વાત આખી એમ છે કે, થોડા દિવસો પહેલાં અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારબાદ આ ઘટાનાની અંગત અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહ પરમારના પુત્રોએ રૌફ જમાવવાનાં ચક્કરમાં કાયદો વ્યવસ્થાનો ભંગ કરી પૌત્રને માર મારનાર યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. યુવકને મોડાસાથી શોધી કાઢીને માર માર્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક્ટિવા પર સવાર યુવકને પકડીને માર મારવામાં આવતો હોવાનું દેખાઇ રહ્યું છે. આ યુવક ચાલી ચલાવીને ગુજરાન ચલાવે છે.