અમદાવાદ- ગુજરાતની પ્રજા એટલે ઉત્સવ પ્રિય પ્રજા. એમાંય અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા જેવા મોટા શહેર દરેક ઉત્સવ પોતાની રીતે અલગ જ અંદાજ માં ઉજવે છે. આ વર્ષે ઉત્તરાયણના પર્વ પૂર્વે સરકારના પતંગોત્સવનું વિધિવત ઉદ્ઘાટન થઇ ગયું.
હવે 14મી તારીખે ગુજરાતની પ્રજાના ધાબા-છાપરા અને મેદાની પતંગોત્સવની તૈયારીઓ ઠેર ઠેર શરુ થઇ ગઇ છે. દરેક નાના મોટા શહેર ની ફૂટપાથ પર ડોઘલા દોરી અને થાંભલા સાથે દોરી ઘસતા, રંગતા કારીગરો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે.
અમદાવાદ જેવા શહેરમાં હવે દરેક વિસ્તારમાં પતંગ-દોરી વેચતા દુકાનોની સાથે મંડપ બાંધેલા જોવા મળે છે. આ વર્ષે ઉત્તરાયણની મોજ માટે પતંગ-દોરી, પીપૂડા, રંગબેરંગી ટોપીઓ, સિંહ-વાઘ જેવા જાનવરની સાથે બિહામણા, હાસ્ય ઉપજાવે એવા મુખોટા બજારમાં આવી ગયા છે.
ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી છે. હાલ બજારમાં ઓછી ચહલ પહલ છે, પણ ગણતરીના એક કે બે દિવસ પૂર્વે ભારે ધસારો થશે એવી વેપારીઓમાં આશા છે.